19મી સપ્ટેમ્બરે શરૂૂ થયેલી 20મી એશિયન ગેમ્સ રવિવારે પૂરી થઈ હતી અને એના શાનદાર સમાપન સમારોહમાં ભારતની મેડલ-વિજેતા શૂટર નીરુ ઢાંડા ધ્વજવાહક બની હતી. હવે 2030માં 21મી એશિયન ગેમ્સ કતારના દોહા શહેરમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે 2022નો ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ દોહામાં સફળતાપૂર્વક યોજાયો હતો. 2036ની ઑલિમ્પિક ગેમ્સ યોજવા માટે ભારત અને તૂર્કી ઉપરાંત કતારે પણ દાવો કર્યો છે. ઑલિમ્પિક કાઉન્સિલ ઑફ એશિયાના પ્રમુખ શેખ જોઆન બિન હમાદ અલ થાનીએ જાપાનની એશિયન ગેમ્સ સંપન્ન થઈ હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી.
ગર્વભેર ભારતના તિરંગા સાથે પરેડમાં ભાગ લેનાર નીરુ ઢાંડા નિશાનબાજીમાં બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીતી હતી. જાપાનની એશિયન ગેમ્સના ટોચના અધિકારીઓએ રવિવારની વન એશિયા થીમ પર આધારિત ક્લોઝિંગ સેરેમની દરમ્યાન મશાલ કતારના પ્રતિનિધિઓને સોંપી હતી. હજારો ઍથ્લીટો, અધિકારીઓ અને પ્રેક્ષકો આ સમારોહમાં હાજર હતા. ભારત 2022ની એશિયન ગેમ્સની જેમ આ વખતે પણ ચોથા સ્થાને રહ્યું. ભારતે 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝ સહિત કુલ 85 ચંદ્રક જીત્યા હતા. ચીન (169 ગોલ્ડ સહિત કુલ 341 ચંદ્રક) પ્રથમ સ્થાને, જાપાન (83 ગોલ્ડ સહિત કુલ 269 ચંદ્રક) બીજા સ્થાને અને સાઉથ કોરિયા (39 ગોલ્ડ સહિત કુલ 150 ચંદ્રક) ત્રીજા સ્થાને હતું.
