ઘર પાસે બાઈક સ્ટંટ કરવાની ના પાડતાં જમાદારના પિતરાઈને ભડાકે દીધો

રાજકોટના નાનામવા વિસ્તારમાં મોડીરાત્રે કુખ્યાત પિતા-પુત્રોનો આતંક, બચાવવા ગયેલ દાદા-પિતરાઈ ભાઈ ઉપર પણ હુમલો રાજકોટના યુનિવર્સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ગોપાલસિંહ જાડેજાના પિતરાઈ…

રાજકોટના નાનામવા વિસ્તારમાં મોડીરાત્રે કુખ્યાત પિતા-પુત્રોનો આતંક, બચાવવા ગયેલ દાદા-પિતરાઈ ભાઈ ઉપર પણ હુમલો

રાજકોટના યુનિવર્સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ગોપાલસિંહ જાડેજાના પિતરાઈ ભાઈ નાનામવા વિસ્તારમાં રહેતા કૃષ્ણસિંહ હરદેવસિંહ જાડેજાની સામાન્ય બોલાચાલી અને વાહન ધીમે ચલાવવાની બાબતે રાખેલા ખારમાં જાહેરમાં બંદૂકમાંથી ફાયરિંગ કરીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જયારે બચાવવા વચ્ચે પડેલા પોલીસ કોન્સ્ટેબલના પિતા રહેન્દ્રસિંહ જાડેજા ઉપર પણ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નવલનગરના કુખ્યાત શખ્સ અને તેના બે પુત્ર સામે નામજોગ તેમજ તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ સામે હત્યા, આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.હત્યારા પિતા અને બે પુત્રોને પકડવા માટે ક્રાઈમ બ્રાંચ,એસઓજી,એલસીબી અને તાલુકા પોલીસની ચાર ટીમ આખી રાત તપાસમાં દોડતી રહી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, નાનામવા ગામતળ શેરી નંબર 4, આશાપુરા કૃપા મકાન પાસે રહેતા અને ખેતીકામ કરતા 40 વર્ષીય કુલદિપસિંહ જયેન્દ્રસિંહ જાડેજાએ આ અંગે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે નવલનગરમાં રહેતા રણજીત વાળા અને તેના બે પુત્રો અભિમન્યુ વાળા અને રાજવીર વાળા અને તપાસમાં ખુલે તે તમામના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તારીખ 08/07/2026ના રોજ રાત્રિના આશરે સાડા નવેક વાગ્યાના સુમારે, ફરિયાદી કુલદિપસિંહ જમીને શેરીમાં વોકિંગ કરવા નીકળ્યા હતા.

તે દરમિયાન તેમના માસીના દીકરા કૃષ્ણસિંહ હરદેવસિંહ જાડેજા શેરીમાં ત્રણ છોકરાઓ સાથે બોલાચાલી કરી રહ્યા હતા. કૃષ્ણસિંહે જણાવ્યું હતું કે, આ છોકરાઓ અવારનવાર આ રોડ પરથી ખૂબ જ ઝડપે બુલેટ મોટરસાયકલ ચલાવીને નીકળે છે અને અવાજ કરીને ન્યુસન્સ ઉભું કરે છે. તેમને અગાઉ પણ વાહન ધીમું ચલાવવા ટોકવામાં આવ્યા હતા. આ દિવસે પણ તેઓ સ્પીડમાં બુલેટ રેસ કરતા હોવાથી કૃષ્ણસિંહે તેમને રોક્યા હતા. આ બાબતે ઉગ્રતા વધતા આરોપી અભિમન્યુ રણજીતભાઈ વાળાએ ગાળો આપવાનું શરૂૂ કર્યું હતું, જેથી કૃષ્ણસિંહે તેને ઝાપટ મારી દીધી હતી.

ઝઘડા બાદ આરોપી અભિમન્યુએ તેના ભાઈ રાજવીરને ફોન કરીને ટી.આર.પી. રોડ પર બોલાવ્યો હતો. રાજવીર તુરંત જ એક્ટિવા લઈને ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને તેણે પણ કૃષ્ણસિંહ સાથે ગાળાગાળી કરતા કૃષ્ણસિંહે તેને પણ બે-ત્રણ ઝાપટ મારી દીધી હતી. મામલો વધુ બિચકતા રાજવીરે તાત્કાલિક તેના પિતા રણજીત વાળાને ફોન કરીને જણાવ્યું કે, “પિતાજી, તમે તાત્કાલિક અહીં ટી.આર.પી. વાળા રોડ પર આવો, અમને એક અંકલે માર માર્યો છે.” આ માથાકૂટ બાદ ફરિયાદી કુલદિપસિંહ અને કૃષ્ણસિંહ વધુ વિવાદ ન થાય તે માટે પોતાના ઘરે ચાલ્યા ગયા હતા અને ફળિયામાં બેઠા હતા.

રાત્રિના સમયે કૃષ્ણસિંહ ઘરના દરવાજા પાસે ઊભા હતા ત્યારે શેરીમાં મોટો દેકારો સંભળાયો હતો. માથાકૂટ કરનાર બંને યુવકો તેમના પિતા રણજીત વાળા સાથે ત્યાં હથિયારબંધ ધસી આવ્યા હતા. આરોપીઓએ ગાળો આપવાનું શરૂૂ કરતા જ રણજીત વાળાએ પોતાની પાસે રહેલી ગેરકાયદેસર બંદૂકમાંથી પ્રથમ હવામાં ફાયરિંગ કર્યું હતું. કૃષ્ણસિંહ તેમને રોકવા માટે આગળ વધ્યા ત્યારે બંને પુત્રો અભિમન્યુ અને રાજવીરે કૃષ્ણસિંહને પકડી લીધા હતા અને બૂમો પાડી હતી કે, “પપ્પા આને પતાવી જ દયો, આપણું નામ કેમ લીધું આ લોકોએ, આ જીવતો ન રહેવો જોઈએ.”

આ ઉશ્કેરણી વચ્ચે પિતા રણજીત વાળાએ મારી નાખવાના ઈરાદાથી કૃષ્ણસિંહ પર બે રાઉન્ડ આડેધડ ફાયરિંગ કરી દીધું હતું. બંદૂકની ગોળીઓ કૃષ્ણસિંહના પેટના ભાગે તથા માથાના ભાગે વાગતા તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા.

આ હિંસક દ્રશ્યો જોઈને આસપાસના લોકો અને કૃષ્ણસિંહના પિતરાઈ દાદા પોલીસમેન ગોપાલસિંહના પિતા રહેન્દ્રસિંહ વચ્ચે પડવા આવ્યા હતા. જોકે, ક્રૂર બનેલા આરોપી રણજીત વાળાએ બંદૂકનો કૂંદો રહેન્દ્રસિંહના માથામાં મારી દેતા તેમને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. પાડોશી દિગ્વિજયસિંહ આરોપીઓને પકડવા જતાં રણજીતે તેમની સામે પણ બંદૂક તાકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન પાડોશમાંથી કિરીટસિંહ પાઈપ લઈને દોડી આવ્યા હતા અને તેમણે રણજીતને બે-ત્રણ પાઈપ ફટકારી દીધી હતી, જેથી ત્રણેય આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા કૃષ્ણસિંહને તાત્કાલિક ખાનગી વાહનમાં સારવાર અર્થે ગિરીરાજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત રહેન્દ્રસિંહ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

હત્યાની આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ઝોન-2 ના ડીસીપી રાકેશ દેસાઈ એસીપી ક્રાઈમ ભરત બસીયા, રાજકોટ તાલુકા પોલીસ મથકના પી.આઈ મેઘાણી,ક્રાઈમ બ્રાંચના પી.આઈ એ.એસ.ચાવડા,એમ.એલ.ડામોર સાથે પીએસઆઈ વી.ડી.ડોડીયા, ડી.પી.ઝાલા, એસ.એમ.રાણા તેમજ એફ.એસ.એલ. ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગઈ હતી. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. મેઘાણી દ્વારા ફરિયાદીની સત્તાવાર ફરિયાદના આધારે આરોપીઓ વિરૂૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 1-3(1) (હત્યા), 118(2), 3(5), 352 તેમજ આર્મ્સ એક્ટની કલમ 27(3) અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી નાસી છૂટેલા ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમગ્ર લોહિયાળ ઘટના અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. મેઘાણી સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) 2023 ની કલમ 103(1) (હત્યા), 118(2), 3(5), 352 તેમજ આર્મ્સ એક્ટની કલમ 27(3) અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર સેજલ રામજીભાઈ મેઘાણીને સોંપી છે. પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અભિમન્યુ અને રાજવીરે માથાકૂટ બાદ કૃષ્ણસિંહના ઘરની રેકી કરી પિતાને બોલાવી ખૂની ખેલ ખેલ્યો
પોલીસ તપાસમાં જાણવા મળતી વિગતો મુજબ કૃષ્ણસિંહ હરદેવસિંહ જાડેજા (ઉ.વ. 30)ને આરોપી અભિમન્યુ રણજીતભાઈ વાળા સાથે બુલેટના ઘોંઘાટ અને સ્પીડ રેસિંગથી ઝગડો થયો હતો. તેને રોકીને બુલેટ ધીમે ચલાવવા બાબતે કૃષ્ણસિંહે ટકોર કરી હતી. આ બાબતે ઉગ્ર બોલાચાલી થતાં અભિમન્યુએ ગાળો ભાંડવાનું શરૂૂ કર્યું હતું, જેથી કૃષ્ણસિંહે તેને ઝાપટ મારી દીધી હતી. પ્રાથમિક ઝઘડા બાદ ઉશ્કેરાયેલા અભિમન્યુએ તેના ભાઈ રાજવીરને ફોન કરીને ટી.આર.પી. રોડ પાસે બોલાવ્યો હતો. રાજવીર એક્ટિવા લઈને ધસી આવ્યો હતો અને તેણે પણ કૃષ્ણસિંહ સાથે લપ કરી ગાળાગાળી કરતા કૃષ્ણસિંહે તેને પણ બે-ત્રણ ઝાપટ મારી દીધી હતી. આથી, બંને ભાઈઓએ કૃષ્ણસિંહના ઘરનું લોકેશન જોઈ લીધું અને તાત્કાલિક તેમના પિતા રણજીત તેજમલજી વાળાને ફોન કરીને હથિયાર સાથે બોલાવ્યા હતા. બીજી તરફ, ફરિયાદી કુલદિપસિંહ અને કૃષ્ણસિંહ વધુ માથાકૂટ ન કરવાના ઈરાદે પોતાના ઘરે ચાલ્યા ગયા હતા અને ફળિયામાં બેઠા હતા. રેકી કરી ગયેલા બન્ને ભાઈ અને તેના પિતા રણજીત વાળા કૃષ્ણસિંહ ઘરના ગેટ પાસે ઊભા આવ્યા હતા અને ગાળો બોલવાતા હતા. શેરીમાં મોટો દેકારો સંભળાયો હતો. આરોપીઓ રણજીત વાળા તથા તેના બંને દીકરા રાજવીર અને અભિમન્યુ ત્યાં હથિયારબંધ ધસી આવ્યા હોય જેમાં રણજીત વાળાના હાથમાં ગેરકાયદેસર બંદૂક જોઈ કૃષ્ણસિંહ તેમને રોકવા આગળ વધ્યા, પરંતુ બંને પુત્રોએ બૂમો પાડી હતી કે, “પપ્પા, આને પતાવી જ દયો, આ જીવતો ન રહેવો જોઈએ ત્યારે ઉશ્કેરણીના પગલે રણજીત વાળાએ કૃષ્ણસિંહ પર બે રાઉન્ડ આડેધડ ફાયરિંગ કરી દીધું હતું. બંદૂકની ગોળીઓ કૃષ્ણસિંહના પેટના અને માથાના ભાગે વાગતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *