પોરબંદર નજીક ભારતીય નૌસેનાનું પ્લેન વીજવાયરો સાથે ઘર્ષણ થયા બાદ ક્રેશ

પોરબંદર જિલ્લાના ધરમપુર ગામ નજીક ભારતીય નૌસેનાનું અનઆર્મ્ડ અનમેન્ડ એરિયલ વેહિકલ (UAV) ક્રેશ થયાની ઘટના સામે આવી છે. ધરમપુર ગામ નજીક આવેલા નેશ વિસ્તારમાં UAV…

પોરબંદર જિલ્લાના ધરમપુર ગામ નજીક ભારતીય નૌસેનાનું અનઆર્મ્ડ અનમેન્ડ એરિયલ વેહિકલ (UAV) ક્રેશ થયાની ઘટના સામે આવી છે. ધરમપુર ગામ નજીક આવેલા નેશ વિસ્તારમાં UAV અચાનક ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ફફડાટનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થયાના અહેવાલ સામે આવ્યા નથી.

પ્રાથમિક માહિતી મુજબ નૌસેનાનું UAV નિયમિત ઉડાન દરમિયાન અચાનક ક્રેશ થયું હતું. ટેકનિકલ ખામી, હવામાનની અસર કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. ડ્રોન નીચે પટકાયાનો જોરદાર અવાજ સાંભળતા સ્થાનિક ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ ભારતીય નૌસેના, સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂૂપે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવાયો હતો અને સામાન્ય લોકોને સ્થળથી દૂર રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. નૌસેનાના ટેકનિકલ નિષ્ણાતો દ્વારા UAVના કાટમાળનું નિરીક્ષણ શરૂૂ કરવામાં આવ્યું છે.

અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ આ UAV કયા કારણોસર ક્રેશ થયું તે અંગે નૌસેનાએ ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. તપાસ પૂર્ણ થયા બાદ જ અકસ્માતનું ચોક્કસ કારણ સામે આવશે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને કોઈ જાનહાનિ ન થતાં રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.
આ UAV કયા કારણથી ક્રેશ થયું તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ PGVCLના વીજપોલ પરના વીજવાયરો સાથે અથડાઈને આ UAV ક્રેશ થયું હોવાની ચર્ચાઓ થઈ રહી છે. PGVCLના વીજપોલ પરના વીજવાયરો પણ તૂટી ગયા છે, જેના સમારકામ માટે PGVCL ઘટનાસ્થળે આવી પહોંચી છે અને કામ શરૂૂ કરાયું છે.

અનઆર્મ્ડ અનમેન્ડ એરિયલ વેહિકલ (UAV) એ એવું માનવરહિત વિમાન છે, જેમાં કોઈ પણ પ્રકારના હથિયારો લગાવવામાં આવતા નથી. તેને જમીન પરથી રિમોટ કંટ્રોલ અથવા પૂર્વનિર્ધારિત પ્રોગ્રામ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. ભારતીય સશસ્ત્ર દળો ખાસ કરીને નૌસેના આવા UAVનો ઉપયોગ દરિયાઈ સરહદોની દેખરેખ, ગુપ્તચર માહિતી એકત્રિત કરવા, શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા, સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન, આપત્તિ દરમિયાન સર્વેક્ષણ તેમજ સંવેદનશીલ વિસ્તારોના સતત મોનિટરિંગ માટે કરે છે.
હાઈ-રિઝોલ્યુશન કેમેરા, રડાર અને અન્ય અદ્યતન સેન્સરથી સજ્જ આ ડ્રોન જોખમી વિસ્તારોમાં માનવજીવનને જોખમમાં મૂક્યા વિના મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે, જેના કારણે સુરક્ષા અને દેખરેખની કામગીરી વધુ અસરકારક બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *