વડોદરા શહેરમાં વધુ એક ભયાનક ફાયરિંગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે. ગઈકાલે 2 જુલાઈની મોડી રાત્રે ગોત્રી-ભાયલી વિસ્તારના પ્રિયા થિયેટર નજીક આવેલા અરેના-48 એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 201 અને 301 પર અજાણ્યા વ્યક્તિએ ગોળીબાર કર્યો. પરિવાર સૂતો હતો ત્યારે આ અણધાર્યા હુમલાથી લોકોની ઊંઘ ઊડી ગઈ અને ભયની લહેર ફેલાઈ ગઈ. બાલ્કની વિસ્તારમાં ગોળીબાર થતાં કાચ તૂટી ગયા અને જોરદાર અવાજ સંભળાયો. પરિવારના સભ્યો ઊંઘમાંથી જાગી ગયા. પડોશી બદ્રીશ ચોકસીએ જણાવ્યું કે, “મને ફોન આવ્યો કે અહીં આવો.
જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે કાચ અને પડદા તૂટેલા હતા. ગોળી વાગી હોય તેવું લાગતું હતું અને બુલેટનો પાછળનો ભાગ પણ મળ્યો હતો.” ઘટના લગભગ રાત્રે 1:10 વાગ્યે બની હોવાનું અનુમાન છે. ફાયરિંગ થયેલા ફ્લેટમાં એક મહિલા પોતાના માતા-પિતા સાથે રહે છે. પોલીસના જણાવ્યા અનુસાર તેમની સાથે કોઈ દુશ્મની નથી. તેમ છતાં આ અજાણ્યા હુમલાએ સુરક્ષાના સવાલો ઊભા કર્યા છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમ સ્થળ પર પહોંચી ગઈ. એફએસએલની ટીમ પણ મદદમાં આવી છે. પોલીસે સ્થળ પરથી કારતૂસ મેળવ્યા છે અને તપાસ ચાલુ છે. કોણે અને કયા કારણે ફાયરિંગ કર્યું તેની તપાસ થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 દિવસમાં વડોદરામાં આ બીજી ફાયરિંગની ઘટના છે. તા. 26 જૂનની રાત્રે વાઘોડિયા ચોકડી પાસે ગાર્મેન્ટ વ્યવસાયી યુવક પર બાઈક સવાર અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કર્યું હતું, જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને આરોપીઓ હજુ પકડાયા નથી.
વડોદરા જેવા સુરક્ષિત અને વિકસિત શહેરમાં વારંવાર થતા આવા ફાયરિંગના બનાવો ગુજરાતના કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઊભા કરે છે. શું ગુજરાત યુપી-બિહાર જેવા અસ્થિર કાયદા વ્યવસ્થાવાળા રાજ્યોની જેમ બનતું જાય છે? આવા બનાવો વધતા જતા હોવાથી નાગરિકોમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે. પોલીસ વહીવટીતંત્રે ત્વરિત અને કડક કાર્યવાહી કરીને આવા અંતિમ તત્વોને કાબૂમાં લેવા જોઈએ, જેથી લોકોને સુરક્ષિત વાતાવરણ મળી શકે.
