ઉનામાં વૃધ્ધ પિતાએ પુત્રને બચાવવા દીપડાને પતાવી દીધો

વૃધ્ધ સુતા હતા ત્યારે દીપડો આવી પહોંચ્યો હતો, તેઓને શરીરે 50 થી વધુ ટાંકા લેવા પડયા વન વિભાગે હથિયાર કબજે કર્યું, દીપડાના મૃતદેહને એનિમલ સેન્ટર…

વૃધ્ધ સુતા હતા ત્યારે દીપડો આવી પહોંચ્યો હતો, તેઓને શરીરે 50 થી વધુ ટાંકા લેવા પડયા

વન વિભાગે હથિયાર કબજે કર્યું, દીપડાના મૃતદેહને એનિમલ સેન્ટર ખાતે મોકલાયો

ઉના તાલુકાના ગાંગડા ગામની સીમમાં મોડી રાત્રે કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી. વન્ય જીવ અને મનુષ્ય વચ્ચેના સંઘર્ષમાં એક પિતાએ પોતાના પુત્રનો જીવ બચાવવા માટે હિંસક દીપડા સામે બાથ ભીડી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.ગાંગડા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા 60 વર્ષીય બાબુભાઈ નારણભાઈ વાજા ગત રાત્રે પોતાના ઘરની ઓસરીમાં બેઠા હતા. આ સમયે અંધારાનો લાભ લઈને એક હિંસક દીપડો ત્યાં ત્રાટક્યો હતો અને સીધો બાબુભાઈ પર હુમલો કરી દીધો હતો.

પિતાની ચીસાચીસ સાંભળીને તેમનો 27 વર્ષીય પુત્ર શાર્દુલભાઈ તરત જ રૂૂમની બહાર દોડી આવ્યો હતો. દીપડાએ બાબુભાઈને છોડીને શાર્દુલ પર જીવલેણ હુમલો કરતા સ્થિતિ ગંભીર બની હતી.
પોતાના પુત્રને દીપડાના જડબામાં જોઈને પિતા બાબુભાઈએ જીવની પરવા કર્યા વગર વળતો પ્રહાર કરવાનું નક્કી કર્યું. તેમણે ઘર પાસે પડેલા ભાલા અને દાતરડા જેવા હથિયારો વડે દીપડા પર જોરદાર પ્રહાર કર્યા હતા. આ લોહિયાળ જંગમાં અંતે દીપડાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ઈજાગ્રસ્ત પિતા બાબુભાઈ વાજાએ હોસ્પિટલમાં સમગ્ર ઘટના વર્ણવતા કહ્યું – હું રાત્રે ઓસરીમાં સૂતો હતો ત્યારે દીપડો આવ્યો હતો. મેં તેને ભગાડવા હાકલ કરી તો મારી સામે થયો અને મારા પર હુમલો કર્યો અને મને પોતાની બાથમાં ભીડી દીધો. મેં મારા દીકરાને બોલાવવા બૂમો પાડી. દીકરો આવતા દીપડાએ મને મૂકીને મારા દીકરા પર હુમલો કર્યો. મેં દીકરાને છોડાવવા પ્રયાસ કર્યા તો દીપડાએ ફરી મારા પર હુમલો કર્યો. આ ઘણી વાર ચાલ્યું. પછી મેં દીપડાને દાંતરડું મારી દીધું અને લાકડીએથી માર્યો. ઘટના બાદ વન વિભાગને જાણ કરી હતી.
હુમલામાં પિતા અને પુત્ર બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પિતા બાબુભાઈને ગંભીર ઇજા પહોંચતાં શરીરમાં અલગ અલગ જગ્યાએ 50થી વધુ ટાંકા લેવામાં આવ્યા છે અને હાલ સારવાર હેઠળ છે. આ ખાટલા પર વૃધ્ધ બાબુભાઈ સુતા હતા એ વખતે દીપડો આવી પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતાં જ જસાધાર આર.એફ.ઓ. એલ.બી. ભરવાડ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

વન વિભાગે દીપડાનો મૃતદેહ અને હુમલામાં વપરાયેલા હથિયારો કબજે કર્યા છે. દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અને આગળની તપાસ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે. ઉના પંથકમાં સ્વબચાવમાં દીપડાને મોતને ઘાટ ઉતારવાની આ પ્રથમ ઘટના હોવાનું મનાય છે, જેના કારણે સમગ્ર પંથકમાં આ સાહસિક પિતાની ચર્ચા થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *