એક યુવક ખેતરમાં બે રસ્તા પર પડતા હાડકા ભાંગી ગયા, એક યુવાન સારવારમાં
સુરતના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે મોડી રાત્રે એક અત્યંત કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો હતો. રેલવે ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલી એક જ બાઇક પર ચાર યુવક સવાર હતા. આ દરમિયાન બાઇક ચાલકે અચાનક સ્ટેઅરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઇક પૂરપાટ ઝડપે સેફ્ટી વોલ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર ચારેય યુવક બ્રિજ પરથી 50 ફૂટથી પણ વધુ ઊંડાણમાં નીચે ખાબક્યા હતા. જેમાં ત્રણ યુવકના મોત થયા હતા જ્યારે એકને ઈજા થઈ છે.
ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલમાં કીમ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા ઘાયલ યુવકનું નિવેદન નોંધાયા બાદ જ અકસ્માતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે. એકસાથે ત્રણ યુવકના મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે.
ઘટના અંગે કુડસદ ગામના સરપંચ યોગેશભાઈ લીંબાચિયાએ જણાવ્યું હતું કે, “ગઈકાલે મોડી રાત્રે ઓવરબ્રિજ પરથી પસાર થતી બાઇક પર ચાર યુવકો સવાર હતા. અંધારાના સમયે અચાનક કાબૂ ગુમાવવાથી બાઇક ડિવાઈડર સાથે અથડાઈને નીચે પટકાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે એક યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગ્રામજનોની મુખ્ય માંગ છે કે, આ ઓવરબ્રિજ પર તાત્કાલિક સ્ટ્રીટ લાઈટ્સ, સ્પીડ બ્રેકર અને મજબૂત રેલિંગ લગાવવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા જીવલેણ અકસ્માતો અટકી શકે. અગાઉ પણ અહીં અકસ્માતો અને રાહદારીઓના ફોન ચોરી થવાની ઘટનાઓ બની ચૂકી છે, ત્યારે તંત્ર વહેલી તકે યોગ્ય પગલાં ભરે તેવી અમારી નમ્ર વિનંતી છે.
ઘટનાના પ્રત્યક્ષદર્શી આલોક રાઠોડે જણાવ્યું હતું કે, અમે સાયણથી ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન બ્રિજ પર અમે અકસ્માતગ્રસ્ત બાઇક જોઈ હતી. ગામના લોકોને જાણ કરી ભેગા થઈને નીચે જઈને જોયું તો ચાર યુવક ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા. તેમાંથી એક યુવક ખેતરમાં અને બે બહાર પડ્યા હતા, જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમના હાડકાં ભાંગી ગયા હતા. અમે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવીને તેમને હોસ્પિટલ મોકલાવ્યા હતા. આ યુવકો અન્ય રાજ્યના હોવાનું જાણવા મળ્યું છે.
