મુળી તાલુકાના શેખપર ગામમાં નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને મામલતદારની સંયુક્ત ટીમે અતિક્રમણ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. આજે તારીખ 30 ઓગસ્ટ, 2025ના રોજ સરકારી સર્વે નંબર 466/1/પૈકી 4 વાળી જમીન પરથી ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા છે.
શેખપર ગામના ત્રણ વ્યક્તિઓ – સુખદેવસિંહ બહાદુરસિંહ પરમાર, દશરથસિંહ જોરુભા પરમાર અને બળવંતસિંહ હેમુભા પરમાર દ્વારા આશરે 15 વર્ષ પહેલા આ સરકારી જમીન પર અનધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું. તેમણે વાણિજ્ય હેતુ માટે માંડવરાયજી હોટલ અને શિવ શક્તિ હોટલનું ગેરકાયદેસર પાકું બાંધકામ કર્યું હતું.
તંત્ર દ્વારા આ બંને હોટલો ઉપરાંત બે પાનના ગલ્લા, પાકા તપરાના શેડ, પંચરની દુકાન અને એક કરિયાણાની દુકાન સહિતના તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી અંદાજે રૂૂપિયા એક કરોડ પચાસ લાખની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 15 વર્ષથી કરાયેલા આ ગેરકાયદેસર બાંધકામોની વસૂલાત માટેની કાર્યવાહી પણ શરૂૂ કરવામાં આવી છે.
