જામનગર નજીક ડૂબી જવાથી પિતા-બે પુત્રોના મોત

એક જ પરિવારના ત્રણના મોતથી પરિવારમાં શોક: ગણેશ વિસર્જન સમયે સર્જાઇ કરૂણાંતિકા જામનગર શહેરના નાઘેડી વિસ્તારમાં પોદાર સ્કૂલ નજીકના તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન એક દુ:ખદ…

એક જ પરિવારના ત્રણના મોતથી પરિવારમાં શોક: ગણેશ વિસર્જન સમયે સર્જાઇ કરૂણાંતિકા

જામનગર શહેરના નાઘેડી વિસ્તારમાં પોદાર સ્કૂલ નજીકના તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન એક દુ:ખદ ઘટના બની છે. રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા પ્રજાપતિ કુંભાર પરિવારના પિતા અને બે બાળકોના તળાવમાં ડૂબી જતાં તેમનું મોત થયું છે. જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમે તળાવમાંથી પિતા અને બંને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

ગણેશ વિસર્જન માટે નાઘેડી પાસેના લહેર તળાવના પાછળના ભાગે પહોંચેલા પ્રિતેશ દિનેશભાઈ રાવલ (ઉં.વ. 36) અને તેમના બે પુત્રો સંજય પ્રિતેશ રાવલ (ઉં.વ. 16) અને અંશ પ્રિતેશ રાવલ (ઉં.વ. 4) તળાવમાં ઊંડા ખાડામાં ડૂબી ગયા. આ દુર્ઘટનામાં ત્રણેયના મોત થયા છે.

ઘટનાની જાણ થતાં જ પંચકોષી બી પોલીસ સ્ટેશનના પી.આઈ. રાઠોડ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી અને પિતા અને બંને બાળકોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. મૃતદેહોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પોસ્ટમોર્ટમ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ દુર્ઘટનાની જાણ થતાં જ પ્રજાપતિ કુંભાર સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.

જામનગર મહાનગરપાલિકાએ ગણેશ વિસર્જન માટે ખાસ કુંડ બનાવ્યા હોવા છતાં, લોકો અન્ય સ્થળોએ વિસર્જન કરવા જતાં હોવાથી દર વર્ષે આવી દુર્ઘટનાઓ બને છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂૂ કરી છે.
જામનગર મહાનગરપાલિકા અને સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને ગણેશ વિસર્જન માટે નિર્ધારિત સ્થળો પર જ વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે, જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *