વાંકાનેરમાં રહેતી પરિણીતા સાથે પ્રેમસંબંધ ધરાવનાર ઇસમેં પતિ અને બાળકોને છોડવાનું કહેતા પરિણીતાએ ઇનકાર કર્યો હતો જેથી કેરોસીન છાંટી દીવાસળી સળગાવી મારી નાખવાના ઈરાદે પરિણીતાને સળગાવી આરોપી પ્રેમી નાસી ગયો હતો.
સારવારમાં પરિણીતાનું મોત થયું હતું જે કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીને કોર્ટે આજીવન કેદની સજા અને 35 હજારનો દંડ ફટકાર્યો છે. જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા 13-09-2014 ના રોજ વાંકાનેરના રહેવાસી સીતાબેન મહેન્દ્રભાઈ કરાર નામની પરિણીતાએ આરોપી શીવાભાઈ કાનજીભાઈ ભાટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે આરોપીને ફરિયાદી સાથે એકાદ વર્ષથી પ્રેમસંબંધ હતો અને આરોપી પરિણીતાના ઘરે જઈને તું તારા પતિ અને બાળકોને છોડી મારી સાથે રહેવા આવ કહેતા ના પાડી હતી જેથી ગાળો બોલી જો તું મારી નહિ થાય તો તારા પતિની પણ નહિ થવા દઉં કહીને ઘરના રસોડામાંથી કેરોસીન ડબલું લઈને સીતાબેનના આખા શરીરે કેરોસીન છાતી દીવાસળી સળગાવી મારી નાખવાના ઈરાદે સળગાવી નાસી ગયો હતો.
આખા શરીરે દાઝી જતા સીતાબેનનું સારવારમાં મોત થયું હતું જેથી પોલીસે હત્યાની કલમો ઉમેરી આરોપીને ઝડપી લીધો હતો. જે કોર્ટ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ પી વી શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વી સી જાનીએ કરેલી ધારદાર દલીલો અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી શીવાભાઈ કાનજીભાઈ ભાટીને કસુરવાન ઠેરવ્યો હતો આઈપીસી કલમ 302 મુજબના ગુનામાં આજીવન કારાવાસ અને રૂૂ 25,000 દંડ તેમજ કલમ 307 મુજબના ગુનામાં 10 વર્ષની સજા અને રૂૂ 10,000 દંડ ફટકાર્યો છે.
