80 ફૂટ રોડ પર રહેતા ગીતાબેન રાજેશભાઈ વોરા (ઉ.વ. 38) ગઈકાલે બપોરના સમયે પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન તેમના પતિ રાજેશભાઈ અને સાસુ રાજીબેન સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વકર્યો હતો કે ઉશ્કેરાયેલા પતિ અને સાસુએ ગીતાબેન પર પથ્થર વડે હુમલો કરી દીધો હતો. ગીતાબેનને માથાના ભાગે અને શરીરે પથ્થર વાગતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન જાણવા મળ્યું હતું કે, ગીતાબેન અને રાજેશભાઈના લગ્નને 16 વર્ષ જેટલો લાંબો સમય થયો છે અને તેમને સંતાનમાં બે બાળકો પણ છે. ગીતાબેનનો પતિ રાજેશભાઈ એક કંપનીમાં બસ ચલાવવાનું કામ કરે છે. ગીતાબેનના જણાવ્યા અનુસાર, તેમનો પતિ તેમના ચારિત્ર્ય પર અવારનવાર શંકા કરતો હતો અને આ શંકાના કારણે જ અગાઉ પણ અનેકવાર ઝઘડાઓ થયા હતા. ગઈકાલે પણ આ શંકાના ભૂતે ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું હતું અને સાસુએ પણ પુત્રનો સાથ આપી વહુને ઢોર માર માર્યો હતો.ઘટનાની જાણ થતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગીતાબેનનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે. પતિ અને સાસુ વિરુદ્ધ ઘરેલુ હિંસા અને મારપીટનો ગુનો નોંધવા માટેની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે.
