શહેરના કાલાવડ રોડ પર રંગોલી પાર્ક નજીક હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં પાડોશીઓ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલો વિવાદ હવે હિંસક સ્વરૂૂપ ધારણ કરી ચૂક્યો છે. અહીં રહેતા અને પ્લેહાઉસમાં નોકરી કરી પરિવારને મદદરૂૂપ થતા એક મહિલા પર પાડોશી દંપતી અને તેમના સાથીદારોએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી વિગત મુજબ, કાલાવડ રોડ પર રંગોલી પાર્ક પાસે હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા ચંદ્રિકાબેન રાજેશભાઈ સોલંકી (ઉ.વ. 35) ગત સાંજે 7:30 વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા. તે દરમિયાન તેમના જ પાડોશમાં રહેતા રેશ્માબેન, તેમના પતિ મયુરભાઈ અને તેમની સાથેના અન્ય શખ્સોએ અચાનક આવી ચંદ્રિકાબેન સાથે ઝઘડો શરૂૂ કર્યો હતો. બોલાચાલી એટલી હદે વધી ગઈ હતી કે આરોપીઓએ ચંદ્રિકાબેનને ઢીકાપાટુનો આડેધડ માર મારવાનું શરૂૂ કર્યું હતું. આ હુમલામાં ઇજા પહોંચતા ચંદ્રિકાબેનને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હોસ્પિટલના બિછાનેથી ચંદ્રિકાબેને ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, પાડોશી રેશ્માબેન અને તેમનો પતિ મયુર છેલ્લા ત્રણ મહિનાથી તેમને અને તેમના પરિવારને સતત હેરાન કરી રહ્યા છે. આ દંપતી અવારનવાર ઝઘડા કરી ચંદ્રિકાબેનના પતિ રાજેશભાઈને છેડતીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતા હતા.વિવાદની શરૂૂઆત અગાઉના નાના ઝઘડાઓથી થઈ હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર, બે દિવસ પહેલા રેશ્માબેને જાણી જોઈને પતિ રાજેશભાઈ પર કેળાની છાલનો ઘા કર્યો હતો.આ બાબતે સમજાવટ કરવા જતા મામલો વધુ બિચક્યો હતો અને તેનું પરિણામ ગત સાંજે થયેલા શારીરિક હુમલામાં આવ્યું હતું.આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.
