પૂર્વ કચ્છમાં છેલ્લા ઘણા સમયથી ગાંધીધામ થી સામખિયાળી સુધીના હાઇવે પર બેફામ ગતિથી થતો વાહન વ્યવહાર અનેક નિર્દોષ લોકોના જીવ લે છે તેમ છતાં ગતિ મર્યાદા જળવાય તેવી નક્કર કામગીરી તંત્ર દ્વારા કરાતી નથી, તેની વચ્ચે ભચાઉ નજીક હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં તલાટી કમ મંત્રીના પુત્રનું મોત નિપજ્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.મુળ ભચાઉના કલ્યાણપરના હાલે વરસામેડી શાંતિધામ રહેતા મૃતકના ભાઇ યોગેશભાઇ પરબતભાઇ એવારીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના પિતા પરબતભાઇ તલાટી કમ મંત્રી છે, તેઓ પોતે પેટ્રોલપમ્પ પર નોકરી કરે છે તેનાથી નાનોભાઇ પ્રકાશ છૂટક ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતો હતો.
પ્રકાશ ગત મધરાત્રે 1 વાગ્યાના અરસામાં ભચાઉ-ગાંધીધામ હાઇવે પર સતલુજ હોટલ સામે જઇ રહ્યા હતા ત્યારે પૂરપાટ જઇ રહેલા અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લઇ ચગદી નાખતા માથા અને પગમાં ગંભીર ઇજાઓથતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.ભચાઉ નજીક હિટ એન્ડ રનમાં જીવ ગુમાવનાર પ્રકાશભાઇનું મોત નિપજતા તેમના 7 વર્ષીય પુત્ર અને 4 વર્ષીય દિકરીએ પિતાનું છત્ર ગુમાવ્યું છે તો મૃતક છૂટક ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા ત્યારે યુવાન અવસ્થામાં તેમના પત્નીએ જીવનભરનો સંગાથ ગુમાવ્યો છે. બેફામ વાહન વ્યવહારથી અનેક પરિવારો ખંડીત થતા રહે છે છતાં તંત્ર પણ નથી જાગતું અને વાહન ચાલકો પણ ગતિ મર્યાદા જાળવતા નથી.
