મક્તુપુર ગામે લગ્ન પ્રસંગે ગયેલા પરિવારના બંધ મકાનમાંથી તસ્કરો રૂૂપિયા 7.47 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ફરિયાદ માંગરોળ તાલુકાના મક્તુપુર ગામના દરબારગઢ વિસ્તારમાં રહેતા બટુકસિંહ મોટાજી ચુડાસમા ગત તા. 9 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11 વાગ્યે મકાનને તાળા લગાવી પરિવાર સાથે પડોશમાં રહેતા કુટુંબી ભાઈ હરદેવસિંહ વજેસંગ ચુડાસમાની દીકરીના લગ્ન પ્રસંગે રાખવામાં આવેલા દાંડિયા રાસમાં ગયા હતા.
આ દરમિયાન રાત્રિના 11 વાગ્યાથી મોડી રાત્રિના 2 વાગ્યાના અરસામાં તસ્કરોએ ઘરના દરવાજાનો હુક તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
બાદમાં કબાટમાંથી સોનાનો હાર, નથડી, લકી, ઓમકાર અને કડી સહિતના 8 તોલા સોનાના દાગીના તથા 1800ની રોકડ મળી કુલ રૂૂપિયા 7,47,813ની માલમત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. મોડી રાત્રે જ્યારે બટુકસિંહ ઘરે પરત ફર્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો જોઈ તેમને શંકા ગઈ હતી. તપાસ કરતા કબાટમાંથી તમામ દાગીના ગાયબ જણાયા હતા. ઘટના અંગે તેમણે ફરિયાદ માંગરોળ મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
