પગપાળા શાકભાજી લેવા જતા હતા ને અજાણ્યો બાઇકચાલક ઉલાળી નાસી છૂટ્યો
શહેરની ભાગોળે જૂના માર્કેટ યાર્ડ નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. આરટીઓ નજીક હુકડો કવાર્ટરમાં રહેતા નિવૃત્ત રેલવે કર્મચારી પગપાળા શાકભાજી લેવા જતા હતા. ત્યારે અજાણ્યો બાઇક ચાલક અડફેટે લઇ નાસી છુટતા ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.
જાણવા મળતી વિગત મુજબ આરટીઓ પાછળ આરએમસી હુડકો કવાર્ટરમાં રહેતા બાબુગર અમરગર ગોસાઇ (ઉ.વ.72)નામના વૃધ્ધ આજે સવારે 11 વાગ્યાના અરસામાં ઘરેથી ચાલીને શાકભાજી લેવા જતા હતા ત્યારે જૂના માર્કેટ યાર્ડના ગેઇટની સામે પહોંચતા પુરપાટ ઝડપે આવતા અજાણયા બાઇક ચાલકે વૃધ્ધને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી અજાણયો બાઇક ચાલક નાશી છૂટ્યો હતો.
આ બનાવમાં વૃધ્ધને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ અહીં તેમનુ ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુુું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બીડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધ અગાઉ રેલવેમાં નોકરી કરતા હતા અને હાલમાં નિવૃત્ત હતા. તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે પોલીસે અકસ્માત સર્જી નાશી છુટેલા બાઇક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા અને તેને ઝડપી લેતા તપાસ હાથ ધરી છે.
