રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા મહિકાના પાટીયા પાસે ગત રાત્રે એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં જૂનાગઢના વતની અને રાજકોટમાં મજૂરી કામ કરતા 19 વર્ષીય સાહિલ ઉર્ફે લાલા રાજેશભાઈ વરાણીયા નામના યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. મૂળ જૂનાગઢનો વતની આ યુવાન રાજકોટમાં ઇમિટેશનના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને મહિકા પાસે ભાડે રૂૂમ રાખીને રહેતો હતો. ગત રાત્રે જ્યારે તે પોતાનું કામ પતાવીને નજીકની હોટલ પરથી જમવાનું પાર્સલ લઈને બાઈક પર પરત ફરી રહ્યો હતો, ત્યારે કોઈ અજાણ્યા વાહનચાલકે તેને જોરદાર ટક્કર મારી અને વાહનચાલક અંધારાનો લાભ લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો.
ઘટનાની જાણ થતા જ આજીડેમ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તબીબોની ટીમે યુવાનને તપાસીને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ પોલીસે જરૂૂરી પંચનામાની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક યુવાન મહિકા નજીક ઠાકરધણી હોટલ પાછળના વિસ્તારમાં રહેતો હતો.તે બે ભાઈ અને બે બહેનોમાં વચેટ ભાઈ હતો અને હજુ અપરિણિત હતો. જુવાનજોધ દીકરાના મોતના સમાચાર મળતા જ જૂનાગઢમાં રહેતા તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે.
આ મામલે આજીડેમ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા હાઇવે પર લાગેલા સીસીટીવી ફૂટેજ ચકાસવાની તજવીજ શરૂૂ કરવામાં આવી છે જેથી નાસી છૂટેલા કાળમુખા વાહન અને તેના ચાલકને ઝડપી પાડી શકાય. મહિકા પાટીયા પાસે સર્જાયેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકો અને રાહદારીઓમાં પણ ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
