સિંધી સમાજના બે જૂથ વચ્ચે વિવાદ વકર્યો, સમાધાન માટે બોલાવી યુવાન પર હુમલો

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં સિંધી સમાજના બે જૂથો વચ્ચે ચાલતી માથાકૂટ મારામારી સુધી પહોંચી છે.શહેરના ગાયકવાડી વિસ્તારમાં સાધુ વાસવાણી સ્કૂલ પાછળ આવેલા રવિ સાગર એપાર્ટમેન્ટમાં…

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં સિંધી સમાજના બે જૂથો વચ્ચે ચાલતી માથાકૂટ મારામારી સુધી પહોંચી છે.શહેરના ગાયકવાડી વિસ્તારમાં સાધુ વાસવાણી સ્કૂલ પાછળ આવેલા રવિ સાગર એપાર્ટમેન્ટમાં રહેતા 28 વર્ષીય કાના વિનોદભાઈ ભાવનાણી નામના યુવક પર ગઈકાલે બપોરના સમયે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કાનાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

આ સમગ્ર વિવાદના મૂળ ગત તારીખ 15 માર્ચ એટલે કે ચેટીચાંદના પવિત્ર તહેવાર સાથે જોડાયેલા છે. તે દિવસે અયોધ્યા ચોક પાસે આવેલા બંધન પાર્ટી પ્લોટમાં આરોપીઓ અને કાનાના ભાઈ ધનરાજ વચ્ચે કોઈ અગમ્ય કારણોસર માથાકૂટ થઈ હતી. આ માથાકૂટ દરમિયાન લાલા નામના શખ્સે ધનરાજ સાથે ઉગ્ર બોલાચાલી કરીને વિવાદ વકર્યો હતો. આ બનાવની જાણ કાનાને થતા તેણે સંદીપ નામના શખ્સને ફોન કરીને પોતાના ભાઈને ગાળો કેમ આપી અને તેને છરી કેમ બતાવી તે બાબતે પૂછપરછ કરી હતી.કાનાએ કરેલો આ ફોન આરોપીઓને ખૂંચ્યો હતો અને તેઓએ મનમાં ખાર રાખ્યો હતો.

ગઈકાલે બપોરે આશરે 1:30 વાગ્યાના સુમારે આ વિવાદનું નિરાકરણ લાવવા એટલે કે સમાધાન કરવા માટે સંદીપે કાનાને ફોન કરીને રેલનગર પેટ્રોલ પંપ સામે આવેલી મઢુલી પાન પાસે બોલાવ્યો હતો. કાના ભાવનાણી ત્યાં પહોંચતા જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ સંદીપ, લાલો, દિનેશભાઈ અને તેમની સાથે આવેલા અજાણ્યા માણસોએ અચાનક હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ કાના પર લોખંડના પાઇપ વડે આડેધડ ઘા ઝીંકવાનું શરૂૂ કર્યું હતું. જાહેરમાં થયેલા આ હુમલાને કારણે આસપાસના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

હાલમાં ઈજાગ્રસ્ત કાનાને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે અને તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.સિંધી સમાજના જ બે જૂથો વચ્ચે ચાલી રહેલા આ વિખવાદે હવે હિંસક સ્વરૂૂપ ધારણ કરી લેતા સમાજના અગ્રણીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *