શહેરના કાલાવડ રોડ પર કટારીયા ચોકડી નજીક ગઇકાલે રાત્રે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. પુરપાટ ઝડપે જતા છોટાહાથીના ચાલકે બાઇકને અડફેટે લઇ નાશી છુટતા ગંભીર રીતે ઘવાયેલા બાઇક ચાલક યુવાનનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. ઢેબર રોડ પર માટેલ સોસાયટીમાં રહેતો અને પ્લાયવુડના ગોડાઉનમાં કામ કરતો યુવાન શેઠ માટે જમવાનુ લેવા જતો હતો ત્યારે જ રસ્તામાં કાળભેટી જતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ ઢેબર રોડ પર જુના ગુરુકુળ પાસે માટેલ સોસાયટી શેરી નં.6માં રહેતો મિલન મહેશભાઇ ગોડેશ્ર્વર (ઉ.વ.19)નામનો બાવાજી યુવાન કટારીયા ચોકડી પાસે આવેલા પ્લાયવુડના ગોડાઉનમાં કામ કરતો હોય અને ગઇકાલે રાત્રે ગોડાઉનેથી શેઠ માટે જમવાનુ લેવા બાઇક લઇ જતો હતો ત્યારે કટારીયા ચોકડી નજીક મુરલીધર પાન વાળી શેરીમાં પહોંચતા પુરપાટ ઝડપે આવતો છોટાહાથીનો ચાલક બાઇકને ઠોકરે ચડાવી નાશી છુટ્યો હતો.
અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આ અકસ્માતમાં મિલનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા તેનુ સારવાર દરમિયાન મોડી રાત્રે મોત નિપજ્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રથામિક નોંધ કરી યુનિ.પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. બનાવની જાણ થતા પરિવારજનો પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા. મૃતક મિલન બે ભાઇ એક બહેનમાં વચેટ હતો. તેના પિતા બાપાસિતારામ ચોકમાં મિલન ગોલા નામે ધંધો કરે છે. યુવાન પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
