રાજકોટના સોરઠીયાવાડી સર્કલ પાસે દરગાહના ગ્રાઉન્ડમાં આવેલી બેગની દુકાનમાં ગતરાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી જે બાદ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા કોઠારીયા ફાયર સ્ટેશનથી કાફલો ત્યાં પહોંચી ગયો હતો જોકે એક કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.
બેગની એક દુકાનમાં આગ લાગ્યા બાદ તે આગ બીજી દુકાનમાં પ્રસરી ગઈ હતી અને તેના લીધે બંને દુકાનોમાં રૂૂ. 17 લાખનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. જોકે આ કયા કારણોથી લાગી તે હજુ સુધી સામે આવ્યુ નથી.
પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના સોરઠીયાવાડી સર્કલ પાસે નટરાજ પેટ્રોલ પંપની બાજુમાં બેગની દુકાનમાં ગુરુવારે રાત્રે આગ ફાટી નીકળી હતી. જે અંગે ફાયર બ્રિગેડમાં ફોન કરવામાં આવતા કોઠારીયા ફાયર સ્ટેશનથી સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો.
જ્યાં સતત એક કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. એક દુકાનમાં લાગેલી એક બીજી દુકાનમાં પ્રસરી ગઈ હતી જેને કારણે ફાયર બ્રિગેડના સ્ટાફને આગ બુઝાવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આગને કારણે બંને દુકાનોમાં બેગ નો સામાન, બેગની અલગ અલગ વેરાઈટી અને બ્લેન્કેટ આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. જેને લીધે અંદાજે 15 થી 17 લાખનું નુકસાન થયું હોવાનું દુકાન માલિકોનું કહેવું છે. આ બંને દુકાનો દરગાહના ગ્રાઉન્ડમાં આવેલી હોવાનું જાણવા મળ્યું છે. રાત્રે એક વાગ્યે આગ લાગી હોવાથી દુકાન બંધ હતી. જો દુકાન ધમધમતી હોત તો જાનહાનિ થવાની શક્યતા ચોક્કસ હતી.
