જામનગર જિલ્લામાં અકસ્માતો ની હારમાળા યથાવત રહી છે. જામનગર-જોડીયા ધોરીમાર્ગ પર બાલંભા ગામના પાટીયા પાસે હિટ એન્ડ રન ના બનાવમાં જામનગરના એક યુવાનનું ડમ્પરની ઠોકરે ગંભીર ઈજા થવાથી અંતરિયાળ મૃત્યુ નિપજ્યું છે. જામનગરના ચાર મિત્રો આમરણ દરગાહે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન અકસ્માત નડ્યો હતો. અકસ્માત નો બીજો બનાવ કાલાવડ નજીક ખંઢેરા પાસે બન્યો હતો. જ્યાં એકટીવા સ્કૂટર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં જામનગરના બે યુવાનોને ગંભીર ઇજા થઈ છે, અને સારવારમાં ખસેડાયા છે.
અકસ્માતનો પ્રથમ બનાવ જોડીયા જામનગર હાઇવે રોડ પર બાલંભા ગામના પાટીયા પાસે બન્યો હતો. જ્યાં પૂરપાટ ઝડપે આવી રહેલા જી.જે. 10 ટી.વાય.8871 નંબરના ડમ્પર ના ચાલકે આગળ જઈ રહેલા જી.જે. 10 સી.જે. 8778 નંબરના બાઈકના ચાલક શકીલ મોહમ્મદ હનીફ અન્સારી નામના જામનગરના 19 વર્ષીય પઠાણ યુવાનને હડફેટે લઇ કચડી નાખતાં તેનું આંતરિયાળ મૃત્યુ નીપજયું હતું. આ અકસ્માત બાદ ડમ્પર નો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
મૃતક યુવાન શકીલ પોતાના અન્ય ચાર મિત્રો આફતાબ યુનુસભાઈ દરજાદા, અમન સંધી અને મહેબુબભાઇ સાથે જામનગર થી આમરણ દરગાહે દર્શન કરવા માટે ગયો હતો, અને ત્યાંથી પરત ફરી રહ્યો હતો, જે દરમિયાન બાલંભા પાસે આ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જે બનાવ અંગે મૃતક શકીલ ના પિતા મોહમ્મદ હનીફ અન્સારીએ જોડિયા પોલીસ મથકમાં ડમ્પરચાલક સામે ફરિયાદ નોંધાવતાં જોડીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માત નો બીજો જામનગર કાલાવડ ધોરી માર્ગ પર ખંઢેરા ગામના પાટીયા પાસે બન્યો હતો. જામનગરમાં નવાગામ ઘેડમાં રહેતા હરપાલસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ (ઉંમર વર્ષ 32) કે જેઓ ઇન્દ્રજીતસિંહ ગુમાનસિંહ બારડ સાથે ધંધાના કામ અર્થ જામનગર થી કાલાવડ રોડ તરફ જઈ રહ્યા હતા” જે દરમિયાન ખંઢેરા ગામના પાટીયા પાસે જી.જે.10 ટી.વાય. 3837 નંબરના ટ્રકના ચાલકે હડફેટમાં લઈ લેતાં અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં બંને યુવાનો ગંભીર સ્વરૂૂપે ઘાયલ થઈ ગયા છે, અને કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ હરપાલસિંહ ને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં તેમજ ઈન્દ્રજીતસિંહજીને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને બંનેની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતના બનાવવા અંગે ઇજાગ્રસ્ત હરપાલસિંહના પત્ની પૂર્ણાંબા ગોહીલે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ વધુ તપાસ ચલાવે છે.
