જામનગર ઠેબા ચોકડીએ બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવરનું મોત

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે બાયપાસ રોડ પર આગળ જઈ રહેલા એક ટ્રક ચાલકે બ્રેક મારતાં પાછળથી સિમેન્ટ ભરીને આવી રહેલો ટ્રક ટકરાઈ ગયો હતો…

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે બાયપાસ રોડ પર આગળ જઈ રહેલા એક ટ્રક ચાલકે બ્રેક મારતાં પાછળથી સિમેન્ટ ભરીને આવી રહેલો ટ્રક ટકરાઈ ગયો હતો અને તેના ચાલકને ગંભીર ઇજા થઈ હતી, જેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આ અકસ્માતના બનાવ મામલે આગળ જઈ રહેલા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મૂળ રાજુલાના વતની નાથાભાઈ કાનાભાઈ બાબરીયા નામના 44 વર્ષના ટ્રક ડ્રાઇવર પોતાના ટ્રકમાં સિમેન્ટનો જથ્થો ભરીને જામનગર નજીક મોટી ખાવડી તરફ જઈ રહ્યા હતા, અને ગત 17મી તારીખે જામનગર નજીક ખીજડીયા બાયપાસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.

જે દરમિયાન ઠેબા ચોકડી પાસે આગળ જઈ રહેલા જીજે 37 ટી 3116 નંબરના ટ્રક ચાલકે એકાએક બ્રેક મારી દેતાં નાથાભાઈ તેના ટ્રક સાથે પાછળથી ટકરાઈ ગયા હતા, અને પોતાના ટ્રકના સ્ટીયરીંગ નો ભાગ પેટ અને આંતરડામાં ઘૂસી જતાં તેમના આંતરડાના ભાગે ભારે નુકસાની થઈ હતી, અને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
જે અકસ્માતના બનાવ અંગે મૃતકના નાના ભાઈ પ્રાગજીભાઈ કાનજીભાઈ બાબરીયાએ આગળથી રહેલા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે પંચકોશી બી. ડિવિઝન ના વી.જે. રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *