જસદણ પાસે હિટ એન્ડ રન: રોડ ક્રોસ કરતા દંપતીનો ભોગ લઇ કારચાલક ફરાર

  જસદણ નજીક ગઢડીયા અને ગોખલાણા ચોકડી વચ્ચે આવેલા ફાર્મ હાઉસ પાસે દંપતિ રોડ ક્રોસ કરતું હતું. ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા કાર ચાલકે…

 

જસદણ નજીક ગઢડીયા અને ગોખલાણા ચોકડી વચ્ચે આવેલા ફાર્મ હાઉસ પાસે દંપતિ રોડ ક્રોસ કરતું હતું. ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા કાર ચાલકે દંપતીને ઠોકરે ચડાવ્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા પતિનું ઘટના સ્થળે અને પત્નીનું રાજકોટ સારવારમાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણમાં રહેતા જુગાભાઇ પોપટભાઈ શાપરા (ઉ.વ.58) અને તેમના પત્ની સામુબેન જુગાભાઈ શાપરા (ઉ.વ.55) રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં ગોખલાણા અને ગઢડીયા ચોકડી વચ્ચે આવેલ માનસી ફાર્મ હાઉસ પાસે રોડ ક્રોસ કરતા હતા. ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહન ચાલકે દંપતીને ઉલાળતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક નાસી છૂટ્યો હતો ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા ગયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા જુગાભાઈ શાપરાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે સામુબેન શાપરાને તાત્કાલિક સારવાર માટે જસદણ બાદ રાજકોટ ખસેડાયા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજ્યું હતું. હિટ એન્ડ રનની ઘટનામાં દંપતિનું મોત નિપજતા પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક જુગાભાઈ અને સામુબેનને સંતાનમાં એક પુત્ર છે દંપતી માનસી ફાર્મ હાઉસમાં ચોકીદારી કરતા હતા. સીસીટીવી ફૂટેજ ચેક કરતા અકસ્માત સર્જનાર કારચાલક હોવાનું સામે આવ્યું છે. જસદણ પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જી નાસી છૂટેલા કાર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *