ચોટીલા નજીક અકસ્માતમાં ઘવાયેલા આધેડે દમ તોડયો
ચોટીલામાં આવેલા થાન રોડ ઉપર ઝુપડપટ્ટીમાં રહેતા આધેડ ચાલીને બીડી લેવા જતા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા આધેડે સારવારમાં દમ તોડતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલામાં થાન રોડ ઉપર આવેલ ઝુપડપટ્ટીમાં રહેતા જેશીગનાથ દીનુનાથ આકરોલિયા નામના 55 વર્ષના આધેડ ચાર દિવસ પૂર્વે સાંજના ચારેક વાગ્યાના અરસામાં ચોટીલા સાયલા રોડ ઉપર ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ વૃદ્ધે ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક જેશીંગનાથ આકરોલીયા ત્રણ ભાઈ બે બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં ચાર પુત્ર છે. જેશીંગનાથ આકરોલીયા ચાલીને બીડી લેવા જતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ચોટીલા પોલોસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છુટેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
