જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર ફરી એકવાર રક્તરંજિત ઘટના સામે આવી છે. જેતપુરની રબારીકા ચોકડી પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ ઝડપે આવતી એક કારે બાઇકને અડફેટે લેતા બાઇક સવાર દાદા અને પૌત્રનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ગોઝારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, બચુભાઈ લાલુ (ઉંમર વર્ષ 55) અને તેમનો પૌત્ર હરદીપ લાલુ (ઉંમર વર્ષ 11) બંને બાઇક પર સવાર થઈને ધારેશ્વર સૂર્ય મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. તે જ સમયે, રબારીકા ચોકડી પાસેથી પસાર થતી વખતે એક બેફામ કાર ચાલકે તેમના બાઇકને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારની ટક્કર વાગતા જ 11 વર્ષીય માસૂમ કિશોર હરદીપ લાલુનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કારની જોરદાર ટક્કરને કારણે બાઇક ચાલક 55 વર્ષીય બચુભાઈ લાલુ ઉછળીને સીધા પુલની નીચે ખાબક્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બચુભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં પહોંચતા જ ફરજ પરના તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. સવારના સમયે મંદિરે દર્શન કરવા નીકળેલા દાદા-પૌત્ર એકસાથે કાળનો કોળિયો બની જતા મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રંદ અને શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવી, બંને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. હાલ પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂૂ કરી છે.
