જામનગર: શેરબજારમાં નુકસાન જતા આશાસ્પદ યુવાનનો આપઘાત

જામનગર શહેરમાં આર્થિક તાણ અને માનસિક દબાણના કારણે વધુ એક કરુણ બનાવ સામે આવ્યો છે. જામનગરના રાજપાર્ક વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવાને શેરબજારમાં થયેલા ભારે…

જામનગર શહેરમાં આર્થિક તાણ અને માનસિક દબાણના કારણે વધુ એક કરુણ બનાવ સામે આવ્યો છે. જામનગરના રાજપાર્ક વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવાને શેરબજારમાં થયેલા ભારે નુકસાનને કારણે આત્મહત્યા કરી હોવાની ઘટના બહાર આવી છે.

મળતી માહિતી મુજબ, જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અકસ્માત મોત નંબર 17/2026 મુજબ, દેવાંગભાઈ પ્રવીણભાઈ પોપટ (ઉંમર 35), રહે. રાજપાર્ક ડિવાઇન હોસ્પિટલ પાછળ, જામનગર, છેલ્લા લગભગ છ મહિનાથી શેરબજારમાં ટ્રેડિંગ કરતા હતા. આ દરમિયાન તેમને અંદાજે રૂૂપિયા 25 લાખ જેટલું મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું. આર્થિક નુકસાનના કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક ચિંતામાં રહેતા હતા.

પોલીસ તપાસ મુજબ, તા. 07 એપ્રિલ 2026ના રોજ સાંજે લગભગ સાડા ચાર વાગ્યાના અરસામાં દેવાંગભાઈએ પોતાના નિવાસસ્થાને જ ઝેરી દવા પી લીધી હતી. પરિવારજનોએ તાત્કાલિક તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં 13 દિવસની સારવાર દરમિયાન ગઈકાલે તેમનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાએ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ બનાવ અંગે મૃતક ની પત્ની દિવ્યાબેન દેવાંગભાઈ પોપટ એ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પી. કે. વાઘેલા દ્વારા બી.એન.એસ.ની કલમ 194 હેઠળ નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *