રાજકોટ જિલ્લાના યાત્રાધામ વિરપુર પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઈમ વિરુદ્ધ એક મોટી સફળતા મેળવવામાં આવી છે. “મ્યુલ બેંક એકાઉન્ટ” દ્વારા સાયબર ફ્રોડના નાણાંની હેરફેર કરતા આરોપીઓ વિરુદ્ધ વીરપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, ભારત સરકારનાIndian Cyber Crime Coordination Center (I4C)તરફથી મળેલી માહિતીના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાયબર ઠગ દ્વારા છેતરપિંડીથી મેળવેલા નાણાં જે બેંક એકાઉન્ટમાં જમા થાય છે, તેને ’મ્યુલ એકાઉન્ટ’ કહેવામાં આવે છે. આ કેસમાં અંદાજે રૂૂ. 10,11,679/- જેટલી માતબર રકમ ચેક, એટીએમ અને RTGS દ્વારા સગેવગે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ વિરપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.જી. રાઠોડ અને તેમની ટીમે તપાસ શરૂૂ કરી હતી. પોલીસે ’SAMANVAYA’ અને ’NCCRP’ પોર્ટલના ડેટાનો ઉપયોગ કરી આરોપીઓને ટ્રેક કર્યા હતા. જેમાં હરીશ રમેશભાઈ વાગડિયા (રહે. નવાગામ, તા. ગોંડલ) વાળા ને ઝડપી પાડેલ છે જ્યારે અન્ય સંડોવાયેલ આરોપી કેવલ જેન્તીભાઈ સીતાપરા (રહે. જેતપુર) વાળા ને પકડવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
આરોપીઓ સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરતા હતા. તેઓ એટીએમ મશીન અને ચેકબુકનો ઉપયોગ કરી આ નાણાં ઉપાડી લેતા હતા અથવા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી ગુનાહિત કાવતરું રચતા હતા.
આ સફળ કામગીરીમાં પી.આઈ. એસ.જી. રાઠોડ સાથે હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ ચાવડા, વિજયભાઈ ગોહેલ, મથુરભાઈ વાસાણી, કૌશિકભાઈ ચાચાપરા અને નિશાંતભાઈ પરમારે મહત્વની ભૂમિકા ભજવી છે.
