કચ્છ
કચ્છમાં સામખિયાળી પાસે કારમાંથી રૂા.1.47 કરોડના કોકેન સાથે દંપતી સહિત ચાર પકડાયા
કચ્છના ભચાઉ તાલુકાના લાકડીયા ધોરી માર્ગ પર રાત્રીના સમયે એસઓજીની ટીમ દ્વારા બાતમીના આધારે હરિયાણા પાસીંગ કાર અટકાવી તલાશી લેતા કારના બોનેટમાં આવેલા એર ફિલ્ટરના નીચેના ભાગે છુપાવેલા 1.47 કિલોગ્રામના 1.47 કરોડનું કોકેઇન મળી આવ્યું હતું. આ સાથે પોલીસે પંજાબના દંપતી સહિત ચારની ધરપકડ કરી હતી. જ્યારે સપ્લાયરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
વધુ વિગતો મુજબ, પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમાર દ્વારા જણાવાયું હતુ કે, ગઇકાલે રાત્રીના સમયે કચ્છના લાકડીયા ધોરી માર્ગ પર રાત્રીના સમયે એસઓજીની ટીમ દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે એક હરિયાણા પાસિંગની કાર શંકાસ્પદ લાગતા તેને અટકાવી તેની તલાશી લેતા જેમાં કારના બોનેટ નીચે એર ફિલ્ટરમાં છુપાવેલું 1.47 કીલોગ્રામ કોકેઇન જેની બજાર કિંમત રૂા.1.47 કરોડ થયા જે મળી આવ્યું હતું.
આ સાથે કારમાં બેઠેલા હનિરસિંગ બિન્દરસિંહ શીખ (ઉં.વ. 27) મૂળ રહેવાસી: લહેરાદુર કોટ, તા. રામપુરા ફુલ, જી. ભટીન્ડા, પંજાબ કારના ડ્રાઈવર તરીકે ઓળખાય છે. સંદીપસિંગ પપ્પુસિંગ શીખ (ઉં.વ.25) મૂળ રહેવાસી: વોર્ડ નં. 4, રામપુરા ફુલ, જી. ભટીન્ડા, પંજાબ પાછળની બેઠક પર મુસાફરી કરી રહ્યો હતો. જસપાલકોર ઉર્ફ સુમન ગુલવંતસિંગ ઉર્ફ શનિભાઈ (ઉં.વ. 29) અને અર્શદીપકોર સંદીપસિંગ શીખ (ઉં.વ.21)ની ધરપકડ કરવામાં આવી છે. ચારેયની પૂછપરછમાં એક મહિલા માલ મોકલનારની પત્ની હોવાનું તપાસમાં જાણવા મળી રહ્યું છે. તેમજ સપ્લાય કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ચારેય સામે એનડીપીએસ ધારા હેઠળ ગુનો નોંધી પંચનામું કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં મુખ્ય આરોપી હનિરસિંગ બિન્દરસિંહની પુછપરછ કરવામાં આવતા આ કોકેઇન તેમના મિત્ર ગુલવંતસિંહ ઉર્ફે શનિસિંઘે મુકલાવ્યું હતું. આ કોકેઇન કચ્છમાં કોને આપવાનુું હતું? તે અંગે હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે.
કચ્છ
ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ મળી એક ગૌરવ સિદ્ધિ, કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને ઇન્ટિરિયર્સની શ્રેષ્ઠતા માટે એવોર્ડ પ્રાપ્ત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની વૈશ્વિક ગૌરવ સિદ્ધિમાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વર્લ્ડ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું છે.
પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ રાજ્ય સરકાર વતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ GSDMAના CEO અનુપમ આનંદ સાથે સ્વીકાર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ માટે સ્મૃતિવનની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ (Prix Versailles) એવોર્ડ અંતર્ગત ભુજના આ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને 2024ના વર્ષની શરૂઆતમાં વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યું હતું. હવે, વૈશ્વિક મંચ પર સાંસ્કૃતિક સીમાચિહ્ન તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત કરીને પ્રિક્સ વર્સેલ્સ 2024 વર્લ્ડ ટાઇટલ મેળવીને સ્મૃતિવન મ્યુઝિયમે આ અંતિમ એવોર્ડ-સન્માન ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
આ પ્રિક્સ વર્સેલ્સ એ વૈશ્વિક આર્કિટેક્ચર અને ડિઝાઇન એવોર્ડ છે અને વિવિધ શ્રેણીઓમાં અસાધારણ સિદ્ધિઓ માટે એનાયત કરવામાં આવે છે. મ્યુઝિયમ, એરપોર્ટ, કેમ્પસ, પેસેન્જર સ્ટેશન, રમતગમત સુવિધાઓ, એમ્પોરિયમ, હોટેલ્સ અને રેસ્ટોરન્ટનો તેમાં સમાવેશ થાય છે. ગુજરાતમાં 26 જાન્યુઆરી, 2001ના ગોઝારા ભૂકંપે જ્યારે કચ્છને ઘમરોળી નાખ્યું હતું, તે સમયે તેમાં જીવ ગુમાવનારા નાગરિકોના સ્મરણમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારકનું નિર્માણ વડાપ્રધાનની પ્રેરણાથી કરવામાં આવ્યું છે. 28 ઓગસ્ટ, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું.
સ્મૃતિવનનું આર્કિટેક્ચર ઐતિહાસિક ભુજિયો ડુંગર સાથે સુમેળભર્યું સંકલન કરે છે, તેમાં મુલાકાતીઓને આપત્તિની તૈયારી અને શક્તિ અંગે શિક્ષિત કરવા માટે રચાયેલી ઇમર્સિવ ગેલેરીઓ રાખવામાં આવી છે. મ્યુઝિયમની અનન્ય ડિઝાઇન અને હેતુ હવે આંતરરાષ્ટ્રીય મંચ પર સ્વીકૃત થયો છે, આ ગુજરાત અને ભારત બંનેનું વૈશ્વિક સ્તરે સન્માન છે.
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા, કચ્છ કલેક્ટર કચેરીની વહીવટી સહાયથી વિકસાવવામાં આવેલું સ્મૃતિવન કુશળતા અને વિઝનના સહિયારા પ્રયાસને પ્રતિબિંબિત કરે છે.સ્મૃતિવન એ પડકારો સામે લડવાની કચ્છની ખુમારીની યશોગાથા છે, આપદા સામે અડીખમ રહેવાના ખમીરની કહાણી છે, રાખમાંથી ફરી બેઠા થવાની કિર્તીકથા છે, શૂન્યમાંથી સર્જનનું ચિત્ર રજૂ કરતો એક જીવંત દસ્તાવેજ છે.
વડાપ્રધાનના વિઝનને અનુરૂપ નિર્માણ થયેલું સ્મૃતિવન ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં, વિશ્વના સૌથી વિશાળ મિયાંવાકી જંગલમાં 3 લાખ વૃક્ષો છે. ઉપરાંત ભૂકંપમાં મૃત્યુ પામેલે લોકોને શ્રદ્ધાંજલિરૂપે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી, અહીં નિર્માણ થયેલા 50 ચેકડેમની દીવાલો લગાવવામાં આવી છે. આ ઉપરાંત સન પોઇન્ટ, 8 કિમી લંબાઇના ઓવરઓલ પાથવે, 1.2 કિમી આંતરિક રોડ, 1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, 3 હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ, 300થી વધુ વર્ષ જૂના કિલ્લાનું નવિનીકરણ, 3 લાખ વૃક્ષોનું વાવેતર, સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને 11,500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યુઝિયમનો સમાવેશ થાય છે.
2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે. 360 ડિગ્રી પર પ્રોજેક્શનની મદદથી 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરી શકાય છે.કચ્છ આવનારા પ્રવાસીઓ માટે આ સ્મૃતિવન મ્યુઝિયમ જોવાલાયક સ્થળ તરીકે આકર્ષણ બન્યું છે.
કચ્છ
કચ્છમાં પરસ્ત્રી સાથેના સંબંધની જાણ થતા જદુરા ગામે પતિના હાથે પત્નીની હત્યા
પતિ-પત્ની વચ્ચે નવોથ આવવાના મુદ્દે આજે સવારે જદુરાની સીમમાં પતિ સિધિક ઉમર થેબા અને તેની પત્ની મુમતાજ લાકડાં વીણવા ગયા હતા જ્યાં સિધિકના ફોન પર અન્ય ત્રીનો ફોન આવ્યા બાદ બંને વચ્ચે ઝઘડો થતાં સિધિકે ક્રૂરતાપૂર્વક કુહાડીના એક કરતાં વધુ ઘા મારી મુમતાજની કરપીણ હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ હત્યા અંગે માનકૂવા પોલીસ મથકના પી.આઇ. ડી.એન. વસાવા પાસેથી મળેલી વિગતો મુજબ મુમતાજના કૌટુંબિક ભાઇએ ફરિયાદ નોંધાવી છે. પોલીસ અને પરિજનો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે આજે સવારે જદુરાની સીમમાં સિધિક અને મુમતાજ લાકડાં વીણવા ગયા હતા ત્યારે ત્યાં સિધિકને અન્ય કોઇ સ્ત્રીનો ફોન આવ્યો હતો. આથી સિધિક અને મુમતાજ વચ્ચે માથાકૂટ થતાં ગુસ્સે ભરાયેલા સિધિકે મુમતાજ ઉપર કુહાડીના ઘા મારવા શરૂૂ કર્યા હતા.
પગમાં કુહાડી લાગ્યા બાદ શરીરે મારવા જતાં હાથ આડો દેતાં હાથમાં કુહાડીના ઘા લાગ્યા હતા. માથામાં આગળ અને પાછળના ભાગે પણ બે વારમાંનો એક ઘા અત્યંત ઊંડો હતો. 18 વર્ષના લગ્નગાળા દરમ્યાન બંનેની પુત્રી મહેક ઝઘડો થતો જોઇ મદદ માટે સરપંચની વાડી તરફ દોટ મૂકી હતી. મદદગારો ત્યાં પહોંચતાં મુમતાજ લોહી નીંગળતી હાલતમાં મળી હતી. 108 મારફત જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાઇ હતી ત્યારે પણ તેના શ્વાસ ચાલુ હતા પરંતુ થોડા સમય બાદ તેણે દમ તોડી દીધો હતો.
જદુરાના સરપંચ અદ્રેમાન કારા થેબા અને હુસેનભાઇ તથા અન્યો મુમતાજને હોસ્પિટલ ખસેડવા અને ત્યાં મદદરૂૂપ થવામાં સહયોગ આપ્યો હતો. બીજીતરફ, છૂટક ડ્રાઇવિંગ કરતા એવા આરોપી સિધિક ઉમર થેબાને પોલીસે રાઉન્ડઅપ કર્યા બાદ ફરિયાદ નોંધાયા પછી વિધિવત ધરપકડ કરી હતી.
કચ્છ
અંજાર તાલુકાના ખેડોઇની સીમમાં આવેલા ફાર્મહાઉસમાંથી 45.53 લાખનો દારૂ પકડાયો
અંજાર તાલુકાના ખેડોઇ ગામની સીમમાં આવેલા ઓમ ફાર્મ એન્ડ નર્સરીમાંથી સ્થાનિક પોલીસે 45.53 લાખની કિંમતનો દારૂૂ અને બીયર ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના ટ્રેઇલરમાં લાઈમસ્ટોન પાવડરની આડમાં ખેડોઇના ત્રણ આરોપીઓએ માલ મંગાવ્યો હતો જોકે રેઇડ દરમિયાન આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હતા.
પ્રાપ્ત વિગતો મુજબ અંજાર પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હતી.એ દરમિયાન શનિવારે મોડી રાત્રે પીઆઈ એ.આર.ગોહિલને ખાનગી રાહે બાતમી મળી હતી કે,ખેડોઇના આરોપી કુલદીપસિંહ નરપતસિંહ જાડેજા,કુલદીપસિંહ ભરતસિંહ સરવૈયા અને શક્તિસિંહ ભરતસિંહ સરવૈયાએ દારૂૂ ભરેલ ટ્રેઇલર મંગાવ્યો છે.અને ટ્રેઇલર ખેડોઇ સીમમાં આવેલ કુલદીપસિંહ નરપતસિંહ જાડેજાના ઓમ ફાર્મમાં રાખી માલ કટિંગ કરવાના છે.બાતમીને આધારે સ્થાનિકે જઈ તપાસ કરતા ટ્રેઇલર નંબર આરજે 23 જીએ 3491, બાઈક નંબર જીજે 12 ઈએલ 6379 અને જીજે 12 ઈજે 8963 વાળા ઉભેલા હતા.પોલીસે ટ્રેઇલરમાં તપાસ કરતા લાઈમસ્ટોન પાવડર ભરેલો હતો.જેની વચ્ચે છુપાવેલ રૂૂપિયા 45.53 લાખની કિંમતનો 6600 બોટલ દારૂૂ અને 4644 બીયરના ટીન મળી આવ્યા હતા.રેઇડ દરમિયાન સ્થળ પરથી આરોપીઓ ભાગી જતા પોલીસને હાથ લાગ્યા ન હતા.જેથી પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી ખેડોઇના ત્રણેય આરોપીઓ સહીત માલ મોકલનાર,ટ્રેઇલરના ચાલક અને બે બાઈકના ચાલકો ઉપરાંત તપાસમાં જે નીકળે તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
-
રાષ્ટ્રીય14 hours ago
‘અમે ઈન્દિરાને પણ છોડ્યા નથી, હવે તમારો વારો છે..’, બાગેશ્વર બાબાને મળી જાનથી મારી નાખવાની ધમકી
-
ગુજરાત1 day ago
કલમ 307 હટાવવા સામે સરધારાનો વિરોધ, CPથી માંડી CM-PM સુધી રજૂઆત
-
ગુજરાત1 day ago
PI પાદરિયાનો કેસ નહીં લડવાનો બાર એસો.નો ઠરાવ પરત
-
કચ્છ5 hours ago
ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ મળી એક ગૌરવ સિદ્ધિ, કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને ઇન્ટિરિયર્સની શ્રેષ્ઠતા માટે એવોર્ડ પ્રાપ્ત
-
ક્રાઇમ1 day ago
લૂંટારુ ટોળકીનો આતંક: માત્ર દોઢ કલાકમાં ચારને છરી ઝીંકી લૂંટ ચલાવી
-
ગુજરાત1 day ago
મફત વીજળી યોજના અંગે કાલથી મનપાનો વોર્ડવાઇઝ કેમ્પ
-
ગુજરાત1 day ago
સર્વર ડાઉન, વીજળી ગુલ,e-kycમાં ધાંધિયા યથાવત્
-
ગુજરાત1 day ago
મનપાના સફાઇ કામદારો દ્વારા આજથી બેમુદતી ધરણાંનો પ્રારંભ