કચ્છ
કચ્છમાં સામખિયાળી પાસે કારમાંથી રૂા.1.47 કરોડના કોકેન સાથે દંપતી સહિત ચાર પકડાયા
કચ્છના ભચાઉ તાલુકાના લાકડીયા ધોરી માર્ગ પર રાત્રીના સમયે એસઓજીની ટીમ દ્વારા બાતમીના આધારે હરિયાણા પાસીંગ કાર અટકાવી તલાશી લેતા કારના બોનેટમાં આવેલા એર ફિલ્ટરના નીચેના ભાગે છુપાવેલા 1.47 કિલોગ્રામના 1.47 કરોડનું કોકેઇન મળી આવ્યું હતું. આ સાથે પોલીસે પંજાબના દંપતી સહિત ચારની ધરપકડ કરી હતી. જ્યારે સપ્લાયરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
વધુ વિગતો મુજબ, પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમાર દ્વારા જણાવાયું હતુ કે, ગઇકાલે રાત્રીના સમયે કચ્છના લાકડીયા ધોરી માર્ગ પર રાત્રીના સમયે એસઓજીની ટીમ દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે એક હરિયાણા પાસિંગની કાર શંકાસ્પદ લાગતા તેને અટકાવી તેની તલાશી લેતા જેમાં કારના બોનેટ નીચે એર ફિલ્ટરમાં છુપાવેલું 1.47 કીલોગ્રામ કોકેઇન જેની બજાર કિંમત રૂા.1.47 કરોડ થયા જે મળી આવ્યું હતું.
આ સાથે કારમાં બેઠેલા હનિરસિંગ બિન્દરસિંહ શીખ (ઉં.વ. 27) મૂળ રહેવાસી: લહેરાદુર કોટ, તા. રામપુરા ફુલ, જી. ભટીન્ડા, પંજાબ કારના ડ્રાઈવર તરીકે ઓળખાય છે. સંદીપસિંગ પપ્પુસિંગ શીખ (ઉં.વ.25) મૂળ રહેવાસી: વોર્ડ નં. 4, રામપુરા ફુલ, જી. ભટીન્ડા, પંજાબ પાછળની બેઠક પર મુસાફરી કરી રહ્યો હતો. જસપાલકોર ઉર્ફ સુમન ગુલવંતસિંગ ઉર્ફ શનિભાઈ (ઉં.વ. 29) અને અર્શદીપકોર સંદીપસિંગ શીખ (ઉં.વ.21)ની ધરપકડ કરવામાં આવી છે. ચારેયની પૂછપરછમાં એક મહિલા માલ મોકલનારની પત્ની હોવાનું તપાસમાં જાણવા મળી રહ્યું છે. તેમજ સપ્લાય કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ચારેય સામે એનડીપીએસ ધારા હેઠળ ગુનો નોંધી પંચનામું કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં મુખ્ય આરોપી હનિરસિંગ બિન્દરસિંહની પુછપરછ કરવામાં આવતા આ કોકેઇન તેમના મિત્ર ગુલવંતસિંહ ઉર્ફે શનિસિંઘે મુકલાવ્યું હતું. આ કોકેઇન કચ્છમાં કોને આપવાનુું હતું? તે અંગે હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે.