રાજકોટમાં બે સ્થળે આગ, 25 લોકોની રોજીરોટી અને આશરા ખાખ

ગુજરાત મિરર, રાજકોટ,તા.27: રાજકોટમાં 26મી જાન્યુઆરીના દિવસે બે આગની ઘટના બની હતી. શહેરના હાર્દસમા એસ્ટ્રોન ચોકમાં વિકાસ મેડીકલ સ્ટોરની સામેના ભાગમાં આવેલી ફુડની લારીઓમાં ભીષણ…

ગુજરાત મિરર, રાજકોટ,તા.27: રાજકોટમાં 26મી જાન્યુઆરીના દિવસે બે આગની ઘટના બની હતી. શહેરના હાર્દસમા એસ્ટ્રોન ચોકમાં વિકાસ મેડીકલ સ્ટોરની સામેના ભાગમાં આવેલી ફુડની લારીઓમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં અંદાજીત 10 લારી આગની ઝપેટમાં આવતાં સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી. જેથી ધંધાર્થીઓને લાખોનું નુકસાન થયું હતું. તેમજ બીજ ઘટનામાં થોરાળા પોલીસ મથક પાછળ આવેલી ઝુંપડપટ્ટીમાં અ ચાનક આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતાં અને બાદમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. અને 15 જેટલા ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતાં. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયર વિભાગને સ્થાનિકોના ભારે રોષનો સામનો કરવો પડયો હતો. આમ 25 પરિવારોની રોજીરોટી અને છત છીનવાઈ ગઈ હતી.

 

એસ્ટ્રોન ચોક પાસે આગ લાગતા 10 ફ્રુટની લારી બળીને ખાખ, લાખોનું નુકસાન

કોઈએ આગ લગાડયાની શંકા, પોલીસની પ્રાથમિક તપાસમાં સ્પાર્કથી આગ લાગ્યાનું ખુલ્યું

શહેરના એસ્ટ્રોન ચોક પાસે આવેલા વિકાસ મેડિકલ સ્ટોર સામે ફ્રુટની લારીઓમાં 26 જાન્યુઆરીએ વહેલી સવારે એકાએક આગ ભભૂકી ઊઠી હતી. પળવારમાં જ આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લેતા અહીં આસપાસ રહેલી અન્ય ફ્રુટની લારીઓ પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. એક બાદ એક 10 થી વધુ લારીઓ આગની ચપેટમાં સળગીને ખાસ થઈ ગઈ હતી. આગની આ ઘટના અંગેની જાણ થતા ફાયર બ્રિગેડના સ્ટાફે તાકીદે અહીં પહોંચી પાણીનો મારો ચલાવી એક કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

પ્રથમ એવી વાત સામે આવી રહી હતી કે, રાત્રિના કોઈ શખસે અહીં રેકડીમાં આગ લગાડી હતી. પરંતુ પોલીસે આ અંગે સીસીટીવી ફૂટેજ ચકાસતા રેકડીમાં કોઈ કારણોસર સ્પાર્ક થયા બાદ આગ લાગી હતી અને બાદમાં બાજુમાં રહેલી અન્ય ફ્રુટની લારીઓ પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. પરંતુ તેમ છતાં પોલીસે આગનું સચોટ કારણ જાણવા માટે એફએસએલની મદદ લીધી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગ ખરેખર ક્યાંક લાગે તે જાણી શકાશે.

આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, ફાયર બ્રિગેડને 26 મી જાન્યુઆરીએ સવારના 05:00 વાગ્યે કોલ મળ્યો હતો કે, એસ્ટ્રોન ચોક પાસે વિકાસ મેડિકલ સ્ટોરની સામે આવેલી ફ્રુટની લારીઓમાં આગ લાગી છે.જેથી ફાયર બ્રિગેડની ટીમ એક ફાયર ફાઈટર સાથે તાકીદે અહીં પહોંચી હતી અને અંદાજિત એક કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.આગની આ ઘટનામાં અહીં ફ્રુટની લારી રાખી વેપાર ધંધો કરતા 10 થી વધુ ધંધાર્થીઓની લારી આગમાં સળગી જવાના લીધે મોટું નુકસાન થયું હતું.સચોટ કારણ જાણવા માલવિયાનગર પોલીસ મથકના સ્ટાફે જાણવા જોગ દાખલ કરી હતી.

 

કુબલિયાપરા પાસે ભીષણ આગથી 15 પરિવારના ઝૂંપડા બળીને ખાખ

સદભાગ્યે કોઈ જાનરહાની નહીં, ધારાસભ્યએ પહોંચી આર્થિક મદદની ખાતરી આપી

શહેરના થોરાળા પોલીસ સ્ટેશન પાછળ આવેલી કુબલીયાપરા ઝુંપડપટ્ટીમાં 26 જાન્યુઆરીના વહેલી સવારે આગ લાગી હતી. પવનના લીધે આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું. જેથી શહેરના અલગ અલગ ફાયર સ્ટેશનથી મળી કુલ પાંચ ફાયર ફાઇટરો અહીં દોડાવાયા હતાં. આગમાં અહીં રહેતા પરિવારો પૈકી 15 પરિવારની ઝૂંપડી બળીને ખાખ થઇ હતી. આગ કયાં કારણોસર લાગી હતી જે જાણી શકાયું નથી.
ફાયરના સ્ટાફે પાણીનો મારો ચલાવી અંદાજિત દોઢ કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં ઝુંપડામાં રહેલી ઘરવખરી સળગીને ખાખ થઇ ગઇ હતી. સદભાગ્યે કોઇ જાનહાની થવા પામી ન હતી. આગની ઘટનાને લઇ ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ પણ અહીં દોડી આવ્યા હતાં અને આગની આ ઘટનામાં આશરો ગુમાવનારને આર્થિક મદદની ખાતરી આપી હતી.

તા. 26 જાન્યુઆરીના સવારના આઠેક વાગ્યે રમેશભાઈ રામજીભાઈ કડસાગરીયા નામના વ્યક્તિએ, ભાણજીબાપા પુલથી કુઈવાળા ચોકની વચ્ચે અને નવા થોરાળા મેઇન રોડ પર આવેલ કુબલીયાપરા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગવાની જાણ નાનામવા ચોક ફાયર કંટ્રોલમાં જાણ કરતા બેડીપરા ફાયર સ્ટેશનથી ફાયર ટેન્ડર સાથે સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અહીં પહોંચી જોતા આગે ખૂબ જ વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લીધુ હોવાથી સ્ટાફ દ્વારા ફાયર કંટ્રોલ અને ઉપરી અધિકારીઓને જાણ કરતા કોઠારીયા ફાયર સ્ટેશન અને મુખ્ય ફાયર સ્ટેશનથી વધુ ફાયર ટેન્ડરો સાથે સ્ટાફ ઘટના સ્થળે રવાના કરેલ હતા, પાંચ ફાયર ટેન્ડર દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવી અને તમામ ઝૂંપડપટ્ટી મકાનના પતરાં દૂર કરી આગ સવારના સાડા નવેક વાગ્યે સંપૂર્ણ આગ બુજાવી નાખેલ હતી.આગમાં સમગ્ર ઘરવખરી આગથી સળગી જવા પામેલ હતી.સદભાગ્યે આગમાં કોઈ જાનહાનિ થયેલ નથી, આગમાં કુલ 15 ઝૂંપડપટ્ટી મકાન સંપૂર્ણ સળગી જવા પામેલ હતા.

આ 15 શ્રમિક પરિવારની ’છત’ છીનવાઈ ગઈ
આગમાં જેમની ઝુંપડી સળગી ગઇ છે તેમાં ગડીબેન અમરભાઈ સારોલીયા, કરીબેન જયંતીભાઈ શિહોરીયા, સાગરભાઈ કડવાભાઈ વાહનેકિયા,સુનિલભાઈ દિનેશભાઈ વાઘરોલિયા, રવિભાઈ રાજુભાઈ ઉઘરેજીયા, જગદીશભાઈ ગોવિંદભાઈ બાલાસરીયા, અશોકભાઈ શીશાભાઈ વાઘરોલીયા, હરેશભાઈ ટીલીભાઈ વાહનેક્રિયા, સુનિલભાઈ ગોવિંદભાઈ ગુલાબ,લાલજીભાઈ ભીખાભાઈ વાદરોલીયા, રાજભાઈ જેન્તીભાઈ ઉઘરેજીયા,મગીબેન કડવાભાઈ વાહનેકિયા,ભાવનાબેન નરેશભાઈ બરાડીયા,આનંદભાઈ રમેશભાઈ સારોલીયા અને વીર બંસીભાઈ સારોલીયાનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *