જાયવા ગામે સાળાના ઘરેથી પરત ફરતા પિતા-પુત્રીના બાઈકને કારચાલકે ઉલાળતા અકસ્માત સર્જાયો’તો
પડધરીના ખોડાપીપર ગામે રહેતા પિતા-પુત્રી જાયવા ગામે સાળાના ઘરેથી જમીને પરત ફરી રહ્યા હતાં ત્યારે ખજુરી ડેમ પાસે અજાણ્યા કાર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં પિતા-પુત્રી બાઈક સાથે ફંગોળાયા હતાં. પિતા-પુત્રીને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયા હતાં. જ્યાં હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પડધરી તાલુકાના ખોડાપીપર ગામે રહેતાં કરમશીભાઈ વાઘજીભાઈ પીપળીયા (ઉ.80) અને તેમની પુત્રી પ્રભાબેન પીપળીયા (ઉ.40) બાઈક લઈ ખજુરી ડેમ પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલી અજાણી કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા પિતા-પુત્રીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં કરમશીભાઈ પીપળીયાનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
પ્રાથમિક પુછપરછમાં મૃતક કરમશીભાઈ પીપળીયા ત્રણ ભાઈ બે બહેનમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. કરમશીભાઈ પીપળીયાના જાયવા ગામે રહેતાં સાળા ભગવાનજીભાઈ પરસોતમ મહિના નિમિત્તે દીકરીઓનું જમણવાર ગોઠવ્યું હતું. જે જમણવારમાંથી પરત ફરતી વખતે સર્જાયેલા અકસ્માતમાં પિતા-પુત્રીને અકસ્માત નડયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પડધરી પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરૂધ્ધ તપાસનો દૌર લંબાવ્યો છે.
