પવન ચક્કીના ધંધા બાબતે બે જૂથ વચ્ચે ચાલતો વિવાદ ચરમ સીમાએ, બન્ને પક્ષના 9 સભ્યો સામે ફરિયાદ, ગામમાં તંગદિલી
વિંછીયા તાલુકાના ઓરી ગામે પવન ચક્કીના ધંધા બાબતે ચાલતા જૂના મનદુ:ખમાં જૂથ અથડામણ થઇ હતી જેમાં સામે સામે ફાયરીંગ થતા મામલો તંગ બન્યો હતો મારામારી અને ફાયરીંગથી ઉહાપોહ મચી ગયો છે. જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર સહીતના પોલીસ અધિકારીઓ ઓરી ગામે દોડી ગયા હતા. આ મામલે વિંછીયા પોલીસે ફરિયાદી બની બંન્ને પક્ષે 9 શખ્સો વિરૂૂદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.હાલ ઓરી ગામમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ વિંછીયાના મોઢુકા રોડ પર રહેતા લઘુભાઈ નાજભાઈ ધાધલ અને આંકડીયા ગામના પ્રતાપ વલકુભાઈ ખાચર વચ્ચે પવનચક્કીના ધંધાને લઇને ચાલતા વિવાદમાં બંને જૂથ વચ્ચે માથાકૂટ થયા બાદ સામે સામે ફાયરીંગ થયા હતા. જેમાં આંકડીયા ગામના પ્રતાપ વલકુ ખાચર, વૃંદાવન સોસાયટીમાં રહેતા ધ્રુવરાજ રાજેશ ધાધલ, લાભ પ્લોટમાં રહેતા જયવંત જીતુભાઈ ધાધલ, રણજીત જીતુભાઈ ધાધલ, મોટા માત્રા ગામે રહેતા ખાચર, જયદિપ પટગીર, સાયલાના સુદામડા ગામે રહેતા દેવેન્દ્ર બોરીચા અને બોટદના લાલો જીવાભાઈ ગોવાળીયા વિરૂૂદ્ધ પોલીસ કર્મી એફ.ડી. બ્લોચે ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવ્યું છે કે, આરોપીઓમાં એક જૂથના લઘુભાઈ, પ્રતાપ, ધ્રુવરાજ, જયવંત અને રણજીતને સામા કુલદિપ, દેવેન્દ્ર લાલો અને જયદિપ સાથે મનદુ:ખમાં વેરઝેર ચાલતુ હતું. જેનો ખાર રાખીને ગઈકાલે સાંજે બન્ને જૂથ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં લઘુ ધાધલ, પ્રતાપ ખાચર અને કુલદિપ ખાચરે સામા પક્ષ ઉપર ફાયરીંગ કર્યા હતા. પ્રતાપભાઈ વલકુભાઈ ખાચરની ફરિયાદને આધારે માત્રાગામના કુલદિપ શીવકુભાઇ ખાચર, સાયલા સુદામડાના દેવેંન્દ્ર ઓર્ફે ડેંડુ બોરીચા,બોટાદના લાલો જીવાભાઇ ગોવાળીયા અને જયદિપ પટગીર સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટના બાદ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર સહીતના પોલીસ અધિકારીઓ ઓરી ગામે દોડી ગયા હતા. હાલ ઓરી ગામમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
