દારૂ ઢીંચી સારી હોટલ અને કોલ્ડ્રિંકસની લાલચ આપી, દ્વિઅર્થી સંવાદો બોલી અડપલા કરતા ભારે દેકારો
આબુ પોલીસે ફરિયાદ લીધી નહીં, અમરેલી પોલીસે પણ પ્રકરણ દબાવ્યાો આક્ષેપ, ગીરીશ ભીમાણીની તાબડતોબ હકાલપટ્ટી
અમરેલી જિલ્લાના શિક્ષણ જગતને કંલક લગાડતી એક ઘટનામાં વિદ્યાસભાની બીસીએ કોલેજની છાત્રાઓ આબુના પ્રવાસે ગઈ હતી ત્યારે કોલેજના નિયામક ગીરીશ ભીમાણીએ પાછળથી પોતાની કાર લઈ આબુ પહોંચી નશાની હાલતમાં 10 જેટલી છાત્રાઓની છેડતી કરી અડપલા કર્યાનું બહાર આવ્યું છે. વિધાનસભાના પ્રમુખ વસંતભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે છાત્રોની છેડતી અંગે રજૂઆત મળતા વિદ્યાસભાએ તાબડતોબ ભીમાણીની હકાલપટ્ટી કરી છે. છાત્રાઓ આ મુદ્દે પોલીસ મથકે પણ પહોંચી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ વાઈસ ચાન્સલર ગીરીશ ભીમાણીએ આબુમાં લખણ ઝળકાવ્યા છે. યુનિવર્સીટીમાંથી નિવૃત થયા બાદ જાણકાર હોવાના નાતે અમરેલી જિલ્લા વિદ્યાસભામાં તેને કોલેજ વિભાગમાં નિયામક બનાવવામાં આવ્યા હતા. પરંતુ અહીં પણ તેમણે પોત પ્રકાશ્યું હતું અને કોલેજની છાત્રાઓની છેડતી કરી હતી. અમરેલી એબીવીપીના અગ્રણી ભીષ્મ ભરાડે જણાવ્યું હતું કે અહીંની બીસીએ કોલેજના છાત્ર- છાત્રાઓનો એક પ્રવાસ ત્રણ દિવસ પહેલા આબુ ગયો હતો. સોમવારે આ પ્રવાસનો છેલ્લો દિવસ હતો. ત્યારે ગીરીશ ભીમાણી પોતાની કાર લઈ આબુ પહોંચી ગયા હતા.
એબીવીપીના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે દારૂૂના નશામાં ભીમાણીએ છાત્રાઓને સારી હોટલમાં રહેવાની અને કોલ્ડ્રીંક્સ પીવડાવવાની લાલચ આપી હતી અને આ બહાને 10 જેટલી છાત્રાઓને અડપલા કરી બીભત્સ વર્તન કર્યું હતું અને તેમની હાજરીમાં બીભત્સ વાર્તાલાપ કર્યો હતો. સાથે ગયેલા સ્ટાફે મામલો થાળે પાડ્યો હતો. પરંતુ છાત્રાઓએ એબીવીપીના આગેવાનોને વાત કરતા સવારે પ્રવાસ પરત આવ્યો ત્યારે કાર્યકરો વિદ્યાસભામાં પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. છાત્રાઓ સાથે આ કાર્યકરો અમરેલી સીટી પોલીસ મથકે પણ દોડી ગઈ હતી.
જો કે સ્થાનિક પોલીસ કર્મીઓએ તેને આ ફરિયાદ આબુમાં થઈ શકે તેમ સમજાવી વળાવી દીધા હતા. બીજી તરફ આ અંગે જાણ થતા વિદ્યાસભા મેનેજમેન્ટ દ્વારા ગીરીશ ભીમાણીને નિયામકના હોદ્દા પરથી તાબડતોબ દૂર કરવામાં આવ્યા છે. છાત્રોએ હવે ગીરીશ ભીમાણી વિદ્યાસભાના કેમ્પસમાં ક્યારેય પગ ન મુકે તેવી માંગ કરી છે. એબીવીપીના આગેવાનોને છાત્રાઓએ એવી ફરિયાદ કરી હતી કે ગીરીશ ભીમાણી આબુમાં તેમની પાછળ કાર લઈને આવ્યા હતા અને તેઓ જ્યા રોકાયા હતા ત્યા નશાની હાલતમાં તેમની પાછળ આવ્યા હતા.
છાત્રાઓને સારી હોટલમાં ઉતારવાની અને જમાડવાની લાલચ આપી હતી. પરંતુ છાત્રાઓ તૈયાર ન થતા પરાણે કોલટ્રીંક્સ પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો. એક પછી એક છાત્રાને તેણે લે બેટા… કોલટ્રીંક્સ પી તેમ કહી શરીરે અડપલા કર્યા હતા અને છાત્રાઓની હાજરીમાં બીભત્સ અને દ્વિ અર્થી વાતો કરી હતી. સવારે છાત્રાઓ પરત અમરેલી આવી ગઈ હતી. પરંતુ ગીરીશ ભીમાણી વિવાદ થવાની આશંકાએ પરત આવ્યા ન હતા.
એબીવીપીના ભાવનગર વિભાગના સંયોજક ભીષ્મ ભરાડે જણાવ્યું હતું કે છાત્રાઓએ અગાઉ વાત કરી હોય અમે પ્રવાસ પરત આવવાના સમયે જ વિદ્યાસભામાં પહોંચ્યા હતા. સાથે ગયેલા સ્ટાફે પણ આવી ઘટના બની હોવાનું અમને જણાવ્યું હતું. જેથી અમે છાત્રાઓને લઈ પોલીસ મથકે પહોંચ્યા હતા. જો કે, પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધવાના બદલે પ્રકરણ દબાવવા પ્રયાસો કરતા રોષ ફેલાયો છે.
અમરેલી જિલ્લા વિદ્યાસભાના ચેરમેન વસંતભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે કોલેજના પ્રવાસની ઘટના અંગે અમને મોખિક રજૂઆત મળી છે અને આજે ગીરીશ ભીમાણીને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.
