રાજકોટના જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં ધરા ધ્રુજી, 12 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ

  રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, ઉપલેટા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભૂકંપના આચંકા અનુભવાયા હતાં. આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં 6 આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ…

 

રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, ઉપલેટા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભૂકંપના આચંકા અનુભવાયા હતાં. આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં 6 આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ગત રાત્રિના જોરદાર આંચકા બાદ આજે વહેલી સવારે ફરી ધરા ધ્રૂજતા લોકો ભયના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના ડેટા અનુસાર, છેલ્લા 12 કલાકમાં આ પંથકમાં નોંધપાત્ર આંચકા અનુભવાયા છે. ધોરાજી અને ઉપલેટામાં વહેલી સવારે 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું એપિસેન્ટર ઉપલેટાથી 28 કિ.મી. દૂર નોંધાયું હતું. આ આંચકો એટલો તીવ્ર હતો કે જેતપુર, જેતલસર, પેઢલા, સરધારપુર, નાની-મોટી પરબડી તેમજ ધોરાજી અને ઉપલેટા શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્પષ્ટ કંપન અનુભવાયું હતું.

નોંધનીય છે કે આ પંથકમાં ગઈકાલે રાત્રે પણ ધરતી ધ્રૂજી હતી. ઉપલેટામાં પહેલો આંચકો ગુરુવારે (આઠમી જાન્યુઆરી) રાત્રે 8:44 વાગ્યે 3.3ની તીવ્રતાનો અને એના પછી વધુ એક આંચકો આવ્યો હતો. જ્યારે ત્રીજો અને ચોથો આંચકો શુક્રવારે વહેલી સવારે 6:19 અને 6:58 વાગ્યે 3.8ની તીવ્રતાનો અનુભવાયો હતો. જ્યારે ધોરાજીમાં 7:01 વાગ્યે ભૂંકપ અનુભવાયો હતો. જેના કારણે લોકો ભયભીય થઇ ગયા હતા. સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.

સવારના સમયે એક પછી એક આંચકા આવતા જેતપુર,ધોરાજી અને ઉપલેટાના ગ્રામીણ વિસ્તારોમાં લોકો સુરક્ષાના કારણોસર ઘર છોડીને ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. હાલમાં તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સદનસીબે, હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *