ચાલુ કારે ગ્લાસમાં દારૂ ભરી પીતો’તો, લોકોએ પીછો કરી પકડી મેથીપાક આપ્યો
રાજકોટ જિલ્લાના ગોંડલમાં ગત રાત્રે નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. પાંજરાપોળ પાસે બાઇકને ટક્કર મારી કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કરતા શહેરમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકોએ પીછો કરીને તેને પકડી પાડ્યો હતો.
પાંજરાપોળ પાસે GJ 01 HP 3789 નંબરની અલ્ટો કારના ચાલકે એક બાઇક સવારને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ચાલક કાર લઈને ઝડપથી નાસી છૂટ્યો હતો. અન્ય વાહનચાલકોએ તેનો પીછો કરવાનું શરૂૂ કર્યું. ટ્રાફિકથી ભરચક નાની બજાર, માંડવી ચોક અને સેન્ટ્રલ ચોક જેવા વિસ્તારોમાંથી કાર બેફામ રીતે પસાર થતાં અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. આખરે આશાપુરા ચોકડી પાસે લોકોએ કારને ઘેરી લીધી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ કાર ચાલક અને તેની સાથેના અન્ય એક શખ્સને બહાર કાઢી માર માર્યો હતો. લોકોએ કારમાં તોડફોડ પણ કરી હતી.
અકસ્માત સર્જનાર કારમાંથી દારૂૂની બોટલ, ગ્લાસ અને બાયટીંગ જેવી સામગ્રી મળી આવી હતી, જે દર્શાવે છે કે ચાલક નશાની હાલતમાં હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા કાર ચાલક અને તેના સાથીને ટોળામાંથી છોડાવી સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગોંડલ બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
