ભ્રષ્ટ કામગીરીના વિરોધમાં રોષે ભરાયેલા ખેડૂતોએ રામધૂન બોલાવી તંત્રને જગાડવાનો કર્યો પ્રયાસ
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે લાખો રૂૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ સ્થાનિક લેવલે ભ્રષ્ટ બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી આ ગ્રાન્ટના નાણાં કઈ રીતે સીધા ભ્રષ્ટાચારની ગટરમાં વહી જાય છે, તેનો જીવતો જાગતો નમૂનો ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં જોવા મળ્યો છે. ધોરાજીના મોટી મારડથી મારડીયા જવાના માર્ગે તાજેતરમાં જ બનેલા નવા કોઝવેના કામમાં મોટા પાયે ’પોલંપોલ’ ચાલી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે રસ્તા પર મુકાયેલી કપચી અને સિમેન્ટ હાથ અડાડતા જ ઉખડી રહ્યા છે!
પ્રાપ્ત વિગતો અનુસાર, જિલ્લા પંચાયતની 10 લાખ રૂૂપિયાની ગ્રાન્ટમાંથી આ કોઝવે (ચેકડેમ કમ રસ્તો) બનાવવામાં આવ્યો છે. મોટી મારડ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1 ના સદસ્ય પ્રવીણભાઈ સોલંકી અને ખેડૂત આગેવાન પરેશભાઈ વાછાણીના જણાવ્યા મુજબ, આ રસ્તા પરથી રોજના 1500 થી 2000 જેટલા ખેડૂતોની અવરજવર રહે છે અને આ માર્ગ 3 થી 4 ગામોને જોડે છે. જોકે, કોન્ટ્રાક્ટરે અહીં સાવ હલકી કક્ષાનું મટીરીયલ વાપરીને માત્ર પોતાના ખિસ્સા જ ભર્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રસ્તા પર મોટી તિરાડો પડી ગઈ છે અને સહેજ હાથ અડાડતા જ મટીરીયલ બહાર આવી જાય છે. રોષે ભરાયેલા ખેડૂતોએ કોઝવે પર જ ’રામધૂન’ બોલાવીને તંત્રની આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો હતો અને જવાબદારો સામે કડક તપાસની માંગ ઉઠાવી છે.
એક તરફ ખેડૂતો અને પંચાયતના જ સદસ્ય ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના પુરાવા આપી રહ્યા છે, ત્યારે મોટી મારડના મહિલા સરપંચ શર્મિલાબેન ચાવડાએ બધો જ દોષ સોલાર કંપનીના વાહનો પર ઢોળી દીધો છે. સરપંચનું કહેવું છે કે, આ આક્ષેપો પાયાવિહોણા છે. બાજુમાં ચાલતા સોલાર પ્રોજેક્ટના ભારે વાહનો અને થાંભલા ભરેલી ગાડીઓ આ કોઝવે પરથી પસાર થવાને કારણે નુકસાન થયું છે. વધુમાં તેમણે એવો પણ દાવો કર્યો હતો કે અગાઉ ચોમાસામાં તેમણે પોતાના અંગત 50 હજાર રૂૂપિયા વાપરીને પુલને ટકાવી રાખ્યો હતો.
અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, જો 10 લાખ રૂૂપિયા પૂરેપૂરા અને ઈમાનદારીથી રસ્તાના કામમાં વપરાયા હોય, તો પછી માત્ર થોડા ભારે વાહનો પસાર થવાથી આખો કોઝવે કેવી રીતે જર્જરિત થઈ શકે? શું એન્જિનિયરોએ પાસ કરેલું કામ આટલું નબળું હતું? ખેડૂતો આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે આગામી ચોમાસામાં આ પુલ પાણીમાં ગરકાવ થઈ જશે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અને ધોરાજી તાલુકાના ઉચ્ચ અધિકારીઓ આ લોલમલોલ કામગીરીનું સરપ્રાઈઝ ચેકિંગ કરી ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને તેને છાવરતા લોકો સામે કોઈ નક્કર કાર્યવાહી કરશે કે પછી ખેડૂતોની રજૂઆત માત્ર કાગળ પર જ રહી જશે?
