ગેરકાયદેસર રોકાણ કરનારાઓ સામે લાલ આંખ: વહીવટી તંત્રમાં ફફડાટ, જવાબદાર અધિકારીઓ સામે પણ તપાસના આદેશ
ચોટીલા વહીવટી તંત્ર દ્વારા આજે સરકારી મિલકતોના દુરુપયોગ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ સર્કિટ હાઉસમાં આકસ્મિક તપાસ હાથ ધરતા બિન-સરકારી વ્યક્તિઓ દ્વારા થતા ગેરકાયદેસર રોકાણનો પર્દાફાશ થયો છે.
સમગ ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 18 ના રોજ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ચોટીલા શહેર સ્થિત સર્કિટ હાઉસની મુલાકાત લીધી હતી. આ તપાસણી દરમિયાન ત્યાં હાજર 4 (ચાર) વ્યક્તિઓની શંકાસ્પદ જણાતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસના અંતે માલુમ પડ્યું હતું કે આ ચારેય વ્યક્તિઓ કોઈ પણ સરકારી મંજૂરી વગર કે યોગ્ય કારણ વગર ગેરકાયદેસર રીતે રોકાયેલા હતા.
ગેરકાયદેસર રીતે રોકાયેલ હરેશભાઇ માવજીભાઇ ગઢવી (રહે. ગારીડા, તા. રાજકોટ), હરેશભાઇ પોલાભાઇ વાઘેલા (રહે. ગુંદા, તા. ચોટીલા), અરવિંદભાઇ પાંચાભાઇ ચાવડા (રહે. રાજપરા, તા. ચોટીલા), ગોરધનભાઇ જાદવભાઇ ચાવડા (રહે. ગુંદા, તા. ચોટીલા)નો સમાવેશ થાય છે. નાયબ કલેક્ટરે આ ગંભીર બેદરકારી બદલ માત્ર ગેરકાયદે રોકાણ કરનારાઓ જ નહીં, પરંતુ સર્કિટ હાઉસના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ નિયમોનુસાર કડક કાર્યવાહી હાથ ધરવા આદેશ આપ્યા છે.
હાલમાં આ ચારેય ઇસમોને આગળની કાયદેસરની કાર્યવાહી અને જામીનગીરીની પ્રક્રિયા માટે મામલતદાર ચોટીલાને સુપ્રત કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સરકારી કચેરીઓમાં અને ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
