સાયબર સુરક્ષા અંગે જાગૃતિ કેળવવી સમયની માંગ; ઓનલાઇન સુરક્ષા માટે ‘થ્રી-સ્ટેપ વેરીફીકેશન’ સૂત્ર અપનાવવું આવશ્યક
વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ ડિજિટલ ક્રાંતિ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ માનવ જીવનની પ્રાથમિક જરૂૂરિયાત બની ગયા છે. સોશિયલ મીડિયા, ઓનલાઇન બેન્કિંગ, ડિજિટલ પેમેન્ટ અને શૈક્ષણિક પ્લેટફોર્મ્સના વધતા વ્યાપ વચ્ચે સુરક્ષાના પ્રશ્નો પણ તેટલા જ ગંભીર બન્યા છે. આપણે જ્યારે પણ સ્માર્ટફોન કે કોમ્પ્યુટર દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે આપણે અજાણતા જ આપણી પાછળ એક નિશાન છોડતા જઈએ છીએ. આ નિશાનને જ ટેકનોલોજીની ભાષામાં ’ડિજિટલ ફૂટપ્રિન્ટ’ કહેવામાં આવે છે. આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ કે ઇન્ટરનેટ પર કરેલી દરેક નાની-મોટી પ્રવૃત્તિ આપણો એક ડિજિટલ ફૂટપ્રિન્ટ છોડી જાય છે.
ડિજિટલ ફૂટપ્રિન્ટ એટલે શું?
સરળ શબ્દોમાં કહીએ તો, તમારા દ્વારા ઇન્ટરનેટના ઉપયોગથી કરવામાં આવતી તમામ ઓનલાઇન પ્રવૃત્તિઓનો સંગ્રહ એટલે ડિજિટલ ફૂટપ્રિન્ટ. તમે કઈ વેબસાઈટ જોઈ, સોશિયલ મીડિયા પર શું પોસ્ટ કર્યું, કોની સાથે વાત કરી કે કઈ વસ્તુ ખરીદી આ બધી માહિતી ક્યાંક ને ક્યાંક ડિજિટલ સ્વરૂૂપે સંગ્રહિત થતી રહે છે. આ જ તમારો ડિજિટલ ફૂટપ્રિન્ટ છે.
ડિજિટલ ફૂટપ્રિન્ટના પ્રકાર
સક્રિય (Active) ડિજિટલ ફૂટપ્રિન્ટ:
જે તમે જાણીજોઈને માહિતી શેર કરો છો, જેમ કે સોશિયલ મીડિયા પોસ્ટ, બ્લોગ લખવું, કોમેન્ટ કરવીતે સક્રિય ફૂટપ્રિન્ટ કહેવાય.
નિષ્ક્રિય (Passive) ડિજિટલ ફૂટપ્રિન્ટ:
જે માહિતી તમારા જાણ બહાર એકત્ર થાય છે, જેમ કે લોકેશન ટ્રેકિંગ, વેબસાઈટ દ્વારા લેવામાં આવતી તમારી ’કુકીઝ’ (ઈજ્ઞજ્ઞસશયત) કે તમારું આઈપી એડ્રેસ, બ્રાઉઝિંગ હિસ્ટ્રીતે નિષ્ક્રિય ફૂટપ્રિન્ટ છે.
ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે રાખવાની સાવચેતી ઓનલાઇન સુરક્ષા માટે આપણે ‘થ્રી-સ્ટેપ વેરીફીકેશન’ એટલે કે ત્રણ મુખ્ય પ્રશ્નો હંમેશા પોતાની જાતને પૂછવા જોઈએ.
1) શું શેર કરી રહ્યા છો?
તમારી અંગત માહિતી, પાસવર્ડ, બેંક વિગતો કે સંવેદનશીલ ફોટા શેર કરતા પહેલા વિચાર કરો. એકવાર ઇન્ટરનેટ પર ગયેલી માહિતી હંમેશા માટે ત્યાં રહી શકે છે.
2) ક્યાં શેર કરી રહ્યા છો?
તમે જે પ્લેટફોર્મ ફેસબુક, વ્હોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ વગેરે પર માહિતી મૂકી રહ્યા છો, તે કેટલું સુરક્ષિત છે? શંકાસ્પદ વેબસાઈટ કે એપ પર માહિતી આપવાનું ટાળો.
3) કોને શેર કરી રહ્યા છો?
શું તમે તમારી પોસ્ટ ફક્ત મિત્રો સાથે શેર કરો છો કે તે ’પબ્લિક’ છે? અજાણ્યા લોકો સાથે વ્યક્તિગત વિગતો શેર કરવી જોખમી બની શકે છે.
આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે, આપણી ઇન્ટરનેટ એક્ટિવિટી ક્યાંક ને ક્યાંક પુરાવો છોડી જાય છે. આ પુરાવાઓનો ઉપયોગ ભવિષ્યમાં તમારી ઓળખ પ્રસ્થાપિત કરવા અથવા ક્યારેક સાયબર ગુનાઓમાં તમારી વિરુદ્ધ પણ થઈ શકે છે.
ડિજિટલ ફૂટપ્રિન્ટને સુરક્ષિત રાખવાના ઉપાયો
” પ્રાઇવસી સેટિંગ્સ: તમારા તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં પ્રાઇવસી સેટિંગ્સને સમયાંતરે અપડેટ કરો.
” એપ પરમિશન: જરૂૂર ન હોય તેવી એપ્સને કેમેરા, માઇક્રોફોન કે લોકેશનની પરવાનગી આપશો નહીં.
” મજબૂત પાસવર્ડ: દરેક એકાઉન્ટ માટે અલગ અને જટિલ પાસવર્ડ રાખો તથા ’ટુ-સ્ટેપ વેરિફિકેશન’ ફીચર ફરજિયાત ચાલુ રાખો.
” ડિજિટલ હાઈજીન: જાહેર વાઈ-ફાઈ (Public Wi-Fi) નો ઉપયોગ કરીને બેન્કિંગ વ્યવહારો કરવાનું ટાળો અને સમયાંતરે બ્રાઉઝિંગ હિસ્ટ્રી ક્લિયર કરતા રહો.
ડિજિટલ ફૂટપ્રિન્ટ એ તમારા ઓનલાઇન વ્યક્તિત્વનો પડછાયો છે. ડિજિટલ ફૂટપ્રિન્ટ માત્ર ડેટા નથી, પરંતુ તે તમારી છબી છે. ઘણી કંપનીઓ ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારનું ઓનલાઇન વર્તન અને પ્રોફાઇલ તપાસતી હોય છે. સાયબર અપરાધીઓ પણ આ માહિતીનો ઉપયોગ કરીને છેતરપિંડી આચરી શકે છે. તેથી, ‘સચેત રહો, સુરક્ષિત રહો’ ના મંત્ર સાથે ઇન્ટરનેટનો વિવેકપૂર્ણ અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો એ જ સુરક્ષિત ડિજિટલ ભવિષ્યની ચાવી છે.
