શહેરના મોરબી રોડ પર આવેલા હડાળા ગામે કરીયાણાની દુકાને વસ્તુ લેવા આવેલા મહીલા અને તેમના પરીવારજનોએ વસ્તુના પૈસા નહી આપી કરીયાણાની દુકાન ચલાવતા દંપતી અને તેમની બંને પુત્રી પર હુમલો કરતા ચારેય વિરૂધ્ધ કુવાડવા પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવી છે.
હડાળા ગામના પાટીયા પાસે પિતૃ કૃપા સોસાયટીમા રહેતા અને ઘર પાસે કરીયાણા તેમજ બાળકોના ભાગની કેબીન ધરાવતા ગીતાબા કિરીટસિંહ ગોહીલ (ઉ.વ. પ8) એ પોતાની ફરીયાદમા તેમના પાડોશમા રહેતા હસીનાબેન રફીકશા શાહમદાર, હસીનાબેનના દિકરાઓના પત્ની, હસીનાબેનના ભાઇના દિકરાની પત્નીનુ નામ આપતા તેમના વિરૂધ્ધ ફરીયાદ નોંધવામા આવી છે.
આ ઘટનામા કુવાડવા પોલીસના એન. એમ. શીરોડીયા તપાસ ચલાવી રહયા છે ગીતાબાએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે ગઇકાલે સવારના સમયે પોતે કેબીનમા બેઠા હતા ત્યારે હસીનાબેન દુકાનેથી વસ્તુ લઇ પૈસા પછી આપી દઇશ તેવુ કહી જતા હતા ત્યારે તેમને ગીતાબાએ કહયુ કે પૈસા આપીને વસ્તુ લઇ જાવ જેથી બંને પક્ષે માથાકુટ થઇ હતી અને હસીનાબેન ગાળો બોલી અને ઝપાઝપી કરવા લાગ્યા હતા તેવા સમયે હસીનાબેનના ભાઇના દીકરાની પત્ની પાસે લાકડી હતી તે દોડીને દુકાન તરફ આવ્યા અને તેઓએ માથાકુટ કર્યા બાદ ગીતાબાને બચાવવા તેમની બંને દિકરી સોનલબા અને હેતલબા તેમજ તેમના પતિ બહાર નીકળતા તેમને પણ હસીનાબેનનાં પરીવારજનોએ ગાળો બોલી અને માર માર્યો હતો.
ત્યારબાદ આરોપીઓએ ઝઘડો કરી જતા જતા કહયુ કે તમારી કેબીનમાથી મફતમા વસ્તુ નહી આપો તો હુ તમને જાનથી મારી નાખીશ. ત્યારબાદ ગીતાબાએ 100 નંબરમા ફોન કરતા પોલીસ ત્યા આવી ગઇ હતી અને પોલીસે બંને પક્ષને લઇ જઇ અને હસીનાબેન અને તેમના પરીવાર વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.