વિવાદિત કીર્તિ પટેલની રાજસ્થાનના ઉદયપુરથી કાલે ધરપકડ કરવામાં આવી હતી. જેમાં કીર્તિને રાજસ્થાનથી જૂનાગઢ લઈને આવવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે જૂનાગઢમાં કીર્તિ પટેલ સામે 3 ગુના દાખલ થયા છે. જેથી પોલીસ દ્વારા તેને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા કીર્તિ પટેલના 23 ફેબ્રુઆરી સાંજના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જેથી હવે આ મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.
કીર્તિ પટેલ હાલ જૂનાગઢ મહાશિવરાત્રીના મેળા દરમિયાન મૃગીકુંડમાં સ્નાન કરતા ફરી એકવાર ચર્ચામાં આવી હતી. ગત રવિવારે (15મી ફેબ્રુઆરી) રાતે ગિરનાર મેળામાં મૃગીકુંડમાં ભગવા કપડા ધારણ કરી કીર્તિ પટેલે ડૂબકી લગાવતા પોલીસ તંત્રએ તેને મૃગીકુંડમાંથી બહાર કાઢી હતી. ત્યારે કીર્તિ પટેલ અને પોલીસ વચ્ચે તૂતૂ મેમે સર્જાઈ હતી અને આ ઘટનાથી સાધુ-સંતો પણ ભારે ગુસ્સે ભરાતા હાલ ભારે વિવાદનો માહોલ સર્જાયો છે અને આ વિવાદ વચ્ચે તેની વિરુદ્ધ ત્રણ-ત્રણ FIR પણ નોંધાયેલી છે.
15મી ફેબ્રુઆરીએ કીર્તિ પટેલએ મૃગીકુંડમાં ભગવા કપડાં સાથે સ્નાન કરતા વિવાદ સર્જાયો હતો, તે મામલે પોલીસ તરફથી મહિલા પોલીસકર્મીએ તેની સામે ફરિયાદ નોંધાવી હતી. તેણીએ પોલીસ સામે આંગળી બતાવી રોફ જમાવી મહિલા PIને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પોલીસની ફરજમાં રૂૂકાવટ અને શાંતિ ભંગની કલમો હેઠળ તેની સામે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
જ્યારે કીર્તિ પર અન્ય એક ફરિયાદ પ્રભાસ પાટણના ખોડીયાર નિરાલી આશ્રમના બજરંગદાસ બાપુએ ફરિયાદ નોંધાવી છે. સાધુ સંતોનું કહેવું છે કે, મૃગીકુંડમાં ફક્ત સાધુ સંતો જ સ્નાન કરી શકે છે, ત્યારે કીર્તિ પટેલે ભગવા કપડા પહેરી આ રીતે મૃગીકુંડમાં સ્નાન કરતા સાધુ સંતોની આસ્થાને ઠેસ પહોંચી છે. જે મામલે પ્રભાસ પાટણના ખોડીયાર નિરાલી આશ્રમના બજરંગદાસ બાપુએ જૂનાગઢ ભવનાથ પોલીસસ્ટેશને ફરિયાદ નોંધાવી છે.
