જામનગર જિલ્લા પોલીસ વિભાગની નેત્રમની ટિમ દ્વારા એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે, જેમાં લાલપુરના એક ખેડૂતની ખોવાયેલી રૂપિયા 4.90 લાખની રોકડ ભરેલી બેગ ગણતરીના સમયમાં શોધી પરત અપાઇ છે.
પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક) વી.કે. પંડ્યા ના માર્ગદર્શન હેઠળ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ), જામનગરના સ્ટાફ દ્વારા સી.સી.ટી.વી. સર્વેલન્સ કામગીરી દરમ્યાન આ સફળતા પ્રાપ્ત થઈ હતી.
અરજી નં. 35/2026 તા. 01/04/2026 મુજબ અરજદાર શ્રી મનસુખભાઈ જેરાજભાઈ નેસડીયા (ઉંમર 68 વર્ષ, નિવૃત પોલીસ, રહે. લાલપુર, જામનગર) દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ તા. 01/04/2026ના રોજ સાંજે અંદાજે 7:16 વાગ્યે રાજકોટથી સ્વિફ્ટ કારમાં આવી જામનગરના અંબર ચોકડી ખાતે ઉતર્યા હતા. ઉતરતી વખતે તેઓ પોતાનું બેગ, જેમાં રોકડ રૂપિયા 4,90,000 રાખેલ હતા, અને કારમાં જ ભૂલી ગયા હતા.
આ અંગે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે માહિતી મળતા, પો.સબ ઇન્સ્પેક્ટર બી.બી. સિંગલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. પી.એ. ખાણધર તથા પોલીસ સ્ટાફ ના ઓસમાણભાઈ સુમરા, પ્રદિપસિંહ સોઢા, રીનાબા ગોહીલ, લીલાબેન મકવાણા, રેખાબેન દાફડા અને વિરપાલસિંહ જાડેજા દ્વારા વિવિધ વિસ્તારોના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરવામાં આવ્યા હતા.
તપાસ દરમ્યાન અરજદાર જે સ્વિફ્ટ કારમાં આવ્યા હતા તેનો નંબર જી.જે. 13 સી..ઇ. 7583 મળી આવ્યો હતો. જે વાહન માલિકનો સંપર્ક કરતા તેઓ રાજકોટ મુકામે રહેતા હોવાની માહિતી મળી હતી. જેથી તુરતજ સંપર્ક કરી અને જરૂરી કાર્યવાહી કરીને અરજદારને મોકલી તેમના બેગમાં રહેલી રૂપિયા 4,90,000 ની રકમ સલામત રીતે પરત અપાવી હતી. આ કામગીરી પોલીસની સતર્કતા, ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ અને ઝડપી પ્રતિસાદનું ઉત્તમ ઉદાહરણ છે.
