ચૂંટણીના માહોલ વચ્ચે સુરતનું રાજકારણ હવે ગલી-મહોલ્લા સુધી ગરમાયું છે. શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા મદનપુર ખાતે પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આરોપ છે કે, જ્યારે સોસાયટીમાં કોંગ્રેસની પ્રચાર મીટિંગ ચાલી રહી હતી, ત્યારે ભાજપના કાર્યકરોએ ત્યાં પહોંચીને હંગામો કર્યો હતો.
ઘટના સમયે ભાજપના કાર્યકરો દ્વારા ’જય શ્રી રામ’ના જોરદાર નારા લગાવવામાં આવ્યા હતા, જેને પગલે સોસાયટીનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પ્રચારના શાંત માહોલમાં અચાનક થયેલા આ હંગામાને કારણે સ્થાનિક રહીશોમાં પણ દોડધામ મચી ગઈ હતી. જોકે, મામલો વધુ બિચકે તે પહેલાં સ્થાનિક લોકોએ મધ્યસ્થી કરી બંને પક્ષના કાર્યકરોને છૂટા પાડ્યા હતા અને સ્થિતિ થાળે પાડી હતી.
કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે, તેઓ સોસાયટીના રહીશો સાથે શાંતિપૂર્ણ રીતે મીટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન ભાજપના કાર્યકરો જાણીજોઈને ત્યાં ઘુસી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કરીને સભામાં વિઘ્ન નાખવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના મતે, હારના ડરથી ભાજપ હવે વિરોધ પક્ષના પ્રચારને રોકવા માટે આવા હથકંડા અપનાવી રહ્યું છે.
