હેલ્મેટ પહેર્યુ હોવા છતાં બસ અડફેટે બાઇકચાલકનું માથું ફાટી ગયું

રાજકોટ-ગોંડલ હાઇવે પર ગોજારો અકસ્માત, પીપળિયા પાસે આવેલી કંપનીમાં કામે જતા યુવાનને રસ્તામાં કાળે આંતર્યો ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે (NH)27, જે અવારનવાર જીવલેણ અકસ્માતોને કારણે ચર્ચામાં…

રાજકોટ-ગોંડલ હાઇવે પર ગોજારો અકસ્માત, પીપળિયા પાસે આવેલી કંપનીમાં કામે જતા યુવાનને રસ્તામાં કાળે આંતર્યો

ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે (NH)27, જે અવારનવાર જીવલેણ અકસ્માતોને કારણે ચર્ચામાં રહે છે, ત્યાં આજે ફરી એક કરુણ ઘટના બની હતી. ભરૂૂડી ગામના પાટિયા નજીક એક એસ.ટી. બસે બાઈક ચાલકને હડફેટે લેતા બાઈક સવારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બાઈકચાલકે હેલ્મેટ પહેર્યું હતું છતાં અકસ્માતમાં એસટી બસનું ટાયર ફરી વળતાં તેનું માથું ફાટી ગયું હતું અને મોત થયું હતું.

અકસ્માત બાદ એસ.ટી. બસનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. યુવકની લાશને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરાશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક બાઈક સવાર હેલ્મેટ પહેરીને સાવચેતીપૂર્વક રોડની સાઈડમાં પોતાનું બાઈક ચલાવી રહ્યો હતો. તે દરમિયાન, મેંદરડા-જુનાગઢ-રાજકોટ રૂૂટની GJ18 ZT 1941નંબરની એસ.ટી. બસના ચાલકે બેફિકરાઈથી બસ ચલાવી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બસનું ટાયર બાઈક સવારના માથા પરથી ફરી વળ્યું, જેના કારણે તેનું તત્કાળ મૃત્યુ થયું હતું.

ભાવિક લશકરીયા તરીકે થઈ છે, જે ગોંડલ શહેરના ભોજરાજપરા નરશીમંદિર પાસે રહેતો હતો અને ઉંમર આશરે 27 વર્ષ હતી. તે GJ03 MS 8569 નંબરની બાઈક પર નોકરી જતો હતો .પીપળીયા પાસે આવેલી સિગ્નલ નામની કંપનીમાં કામ કરતો હતો. તે રોજ ગોંડલથી અપડાઉન કરતો હતો. ઘટનાસ્થળે 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી, અને સ્થાનિક લોકોએ મૃતકના ખિસ્સામાંથી લાઇસન્સ અને કંપનીના પહેરવેશ પરથી તેની ઓળખ કરી હતી.

આ કરુણ ઘટનાને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા, અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો, અને ફરાર બસ ચાલકની શોધખોળ માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ દુર્ઘટનાને પગલે મૃતકના પરિવારમાં અને સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ગોંડલ-રાજકોટ હાઇવે પર સતત થતા અકસ્માતોને કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ હાઇવે પર ટ્રાફિક નિયમન અને સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *