જામનગરના નાની લાખાણી ગામે બાઈકની ટક્કરથી પગપાળા જતાં વૃધ્ધનું મોત

જામનગર જિલ્લામાં માર્ગ અકસ્માતનો એક દુ:ખદ બનાવ સામે આવ્યો છે, જેમાં મોટરસાયકલ ચાલકની બેદરકારીથી થયેલી ટક્કરમાં બે રાહદારીઓ પૈકી એક વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે…

જામનગર જિલ્લામાં માર્ગ અકસ્માતનો એક દુ:ખદ બનાવ સામે આવ્યો છે, જેમાં મોટરસાયકલ ચાલકની બેદરકારીથી થયેલી ટક્કરમાં બે રાહદારીઓ પૈકી એક વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે એક વ્યક્તિને ઇજાઓ પહોંચી છે. જે અકસ્માતના બનાવ અંગે બાઇક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, પંચ ‘એ’ ડીવીજન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 281, 125(એ), 125(બી), 106(1) તથા મોટર વાહન અધિનિયમ કલમ 177, 184 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં જાહેર થયા અનુસાર આ બનાવના ફરિયાદી ટેમભા દીપસંગ જાડેજા (ઉ.વ. 65, રહે. નાની લાખાણી ગામ) ગઈકાલે તા. 05 એપ્રિલના રોજ રાત્રે આશરે 9 વાગ્યે તેઓ તથા દાદુભા ભવાનસંગ જાડેજા (ઉ.વ. 69) પગપાળા ચાવડા ગામના પાટીયા પાસે આવેલા મામા દેવના મંદિરે જઈ રહ્યા હતા. તે દરમ્યાન મંદિરથી થોડે આગળ પહોંચતા આરોપી કેશુ નાનસિંહ પશાયા પોતાના મોટરસાયકલ લઈ ને પુરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી પાછળથી આવી બંનેને જોરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં બંને વ્યક્તિઓ જમીન પર પટકાઈ ગયા હતા. જેમાં ફરિયાદીને કપાળ, ડાબા પગ અને છાતીના ભાગે ઇજાઓ પહોંચી હતી, જ્યારે દાદુભા જાડેજાને માથા, કપાળ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન દાદુભાનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *