ગુજરાતમાં નકલીનો તો જાણે રાફડો ફાટ્યો છે. ગુજરાતમાં એવી કોઈ વસ્તું નથી કે જે તમને નકલી ન મળે. અગાઉ તમે નકલી ઘી, નકલી દૂધ કે પછી નકલી અન્ય ખાદ્ય પદાર્થો વિશે સાંભળ્યું હશે.પરંતુ અમે આપને એક એવી નકલી વસ્તુ બતાવીશું જે જાણી તમે ચોંકી જશો.
સમજાતું નથી કે નકલીના આ કાળા કારોબારમાંથી મુક્તિ મળશે ક્યારે?એવી કોઈ વસ્તુ નથી કે જે તમને નકલી ન મળે. દરેક ખાદ્ય પદાર્થ અને નકલી કચેરીઓ. નકલી અધિકારી અને નકલી હુકમો નકલી પનીર, નકલી તેલ, નકલી ખેડૂત, નકલી યુનિવર્સિટી અને નકલી જમીનનો ગઅ હુકમ જોઈ શકાય છે. સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી મળી આવેલા આ નકલીએ તો જાણે હાહાકાર મચાવી દીધો છે.
આટલું નકલી ઓછું પડતું હતું ત્યાં હવે સુરતમાંથી નકલી લિપબામ પકડાયા છે. શિયાળામાં ખુબ ઉપયોગી એવા લિપબામનો મોટો બનાવટી જથ્થો સુરત પોલીસે ઝડપી પાડ્યો છે. શહેરના કાપોદ્રામાંથી એક લાખ 57 હજારનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સૌથી મોટી વાત એ છે કે લિપબામનું પેકિંગ અલગ અલગ જાણીતી બ્રાન્ડનું હતું. એટલે કે માર્કેટમાં ખ્યાતિ પ્રાપ્ત ઓરિજનલ બ્રાન્ડમાં નકલી લિપબામ ભરીને વેચાણ કરવામાં આવતું હતું.નકલી લિપબામના કેસમાં પોલીસે બે વેપારીઓની ધરપકડ કરી છે.
શહેરના કપોદ્રા વિસ્તારના કેટલાક શખ્સો લાંબા સમયથી લોકોને છેતરવાનો ધંધો કરી રહ્યા હતા. આ મામલે ઘણીવાર રજૂઆતો પણ થઈ હતી. અનેક રજૂઆતો અને અરજીઓ બાદ પોલીસે એક્શન લેતાં અલગ અલગ ટુકડીઓ બનાવી તપાસ કરવામાં આવી હતી. જેમાં કપોદ્રાની સર્વોપરી સોસાયટીમાં રેડ કરતાં આ મોટો જથ્થો મળી આવ્યો હતો. હાલ પોલીસે તમામ જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.