સરથાણા પોલીસ સ્ટેશને ટોળા ઉમટી પડયા પોલીસનો લાઠી ચાર્જ, તંગદિલી ફેલાતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
સુરતના અલથાણ વિસ્તારમાં એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી હતી, જેમાં એક સગીર વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવતા સમગ્ર પંથકમાં તણાવનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો અલથાણ પોલીસ સ્ટેશન ખાતે એકઠા થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ ધોરણ-10માં અભ્યાસ કરતી એક સગીરા જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે બારડોલીના રહેવાસી 39 વર્ષીય મોહંમદ અઝીઝ ઇલિયાઝે તેનો હાથ પકડ્યો હતો. મહમદ અઝીઝ દ્વારા કરવામાં આવેલી આ હરકત બાદ મામલો તુરંત બીચકાયો હતો. સગીરા સાથે થયેલી છેડતીની વાત વાયુવેગે વિસ્તારમાં પ્રસરી જતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જોકે, પોલીસ સ્ટેશન બહાર લોકોના ટોળાને કાબૂ કરવા પોલીસકર્મીઓ દ્વારા બળપ્રયોગ કરાયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પરિવારજનો અને સ્થાનિક લોકો અલથાણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. પોલીસ સ્ટેશન પરિસરમાં ભારે ભીડ એકઠી થતા સ્થિતિ તણાવપૂર્ણ બની હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિસ્તારના ધારાસભ્ય મનુ પટેલ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. તેમણે સમગ્ર ઘટના અંગે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને સ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા. સ્થિતિ વણસે નહીં તે માટે સુરત પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતી.
એસીપી (અઈઙ) સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને પોલીસ મથકે તૈનાત કરી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીની અટકાયત અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે સ્થાનિક લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને ખાતરી આપી હતી કે, આ મામલે કાયદાકીય રીતે સઘન તપાસ કરીને કસૂરવાર સામે કડક પગલાં લેવામાં આવશે. હાલ પોલીસ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સતત પેટ્રોલિંગ કરી રહી હતી.
વિદ્યાર્થિનીની છેડતીની ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો, જેમાં લોકોએ આરોપીને પકડી પાડી પોલીસને જાણ કરી હતી. જોકે, પોલીસની 112 વાન ઘટનાસ્થળે પહોંચતા જ ત્યાં હાજર ઉશ્કેરાયેલી ભીડ બેકાબૂ બની હતી અને પોલીસની હાજરીમાં જ આરોપી પર તૂટી પડી તેને ઢોરમાર માર્યો હતો. પોલીસ વાન પાસે જ લોકો દ્વારા કાયદો હાથમાં લેવાની આ ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી અને પરિસ્થિતિ વધુ તંગ બની હતી, જેને કાબૂમાં લેવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.
ધારાસભ્ય મનુ પટેલ દ્વારા હાલમાં લોકોને શાંતિ જાળવવા અને કાયદો વ્યવસ્થામાં સહકાર આપવા માટે ખાસ અપીલ કરવામાં આવી રહી હતી, છતાં પણ રોષે ભરાયેલા લોકો દ્વારા સતત સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલાને થાળે પાડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી હતી.
