ભાણવડના મોડપર ગામે આવેલા મફતિયા પ્લોટ વિસ્તારમાં રહેતા રજાક ઉર્ફે ટકો મામદભાઈ નાગલા નામના શખ્સ દ્વારા તા. 15 ડિસેમ્બર 2024 ના રોજ એક પરિવારને તાંત્રિક વિધિના નામે વિશ્વાસમાં લીધો હતો. આ પછી આરોપી દ્વારા ઉપરોક્ત પરિવારની સગીર વયની દીકરીને લલચાવી- ફોસલાવીને બદકામ કરવાના ઈરાદાથી તેણીના પરિવારના વાલીપણામાંથી ભગાડીને લઈ ગયો હતો.
આ પછી આરોપી શખ્સે સગીરા સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધી, દુષ્કર્મ ગુજારતા આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ભાણવડ પોલીસ મથકમાં બી.એન.એસ. તથા પોક્સો એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં આરોપી વિરુદ્ધ પુરાવાઓ એકત્ર કરી, ગુના સંદર્ભેનું ચાર્જશીટ અહીંની એડિશનલ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કેસ ખંભાળિયાના એડિશનલ સેશન્સ કોર્ટના જજ એસ.જી. મનસુરી સમક્ષ ચાલી જતા ફરીયાદી, ભોગ બનનાર, મેડિકલ ઓફિસર, આઈ.ઓ, તેમજ સાહેદોની જુબાની તથા મહત્વના આધાર-પુરાવાઓ સાથે અહીંના મુખ્ય જિલ્લા સહકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલોને ધ્યાનમાં લઈને અદાલતે આરોપી રજાક ઉર્ફે ટકો મામદભાઈ નાગલાને દસ વર્ષની સખત કેદની સજા તથા રૂૂપિયા 7,500 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ સાથે ભોગ બનનારના સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે રૂૂપિયા 50,000 નું વળતર ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
