શહેરના ત્રિકોણ બાગ પાસે આવેલી હોટલમાં મોબાઈલમાં મશગુલ યુવાનનું વીજશોક લાગતાં મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. પરસાણાનગરમાં રહેતા પરપ્રાંતિય યુવાન વેલ્ડીંગ કામ કરવા હોટલમાં ગયો હતો ત્યારે જ આ બનાવ બનતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ, મુળ ઉતર પ્રદેશનો વતની અને હાલ રાજકોટમાં પરસાણાનગર શેરી નં.5માં રહેતો લાલશાહ ઉર્ફે સાહીલ નનકુશાહ (ઉ.21) નામનો યુવાન ફેબ્રીકેશનની દુકાનમાં કામ કરતો હતો. આજે તેના માલિક દ્વારા ત્રિકોણબાગ પાસે આવેલી હોટલ પાર્ક ન્યુમાં વેલ્ડીંગ કામ કરવા માટે મોકલ્યો હતો. જ્યાં તે વેલ્ડીંગ કામ કરતો હતો દરમિયાન મોબાઈલમાં વાત કરવામાં મશગુલ હતો ત્યારે વીજશોક લાગતાં બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ-ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઈ બે બહેનમાં નાનો અને અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે.
