મનપાની વોટર વર્કસ શાખાએ લીધેલા સાત સેમ્પલમાં ભયાનક બેકટેરિયા હોવાનો ચોંકાવનારો રિપોર્ટ
રાજકોટમાં પાણીજન્ય રોગચાળાએ અજગરભરડો લીધો હોવાનો મનપાની જ આરોગ્ય શાખાના સતાવાર પખવાડિક રિપોર્ટમાં દર્શાવાયુ છે ત્યારે અત્યંત ચોંકાવનારી એક સતાવાર હકિકત એ પણ સામે આવી છે કે, મનપા દ્વારા પાઇપલાઇન દ્વારા ચાલતી પાણી વિતરણ વ્યવસ્થામાં શહેરના સાત વિસ્તારમાં અતિ ભયજનક કહી શકાય તેવા બેકટરિયા પાઇપલાઇનમાં ભળ્યા છે. ન્યૂ રાજકોટના પાંચ અને સેન્ટ્રલ એટલે કે મધ્ય રાજકોટના બે વિસ્તારમાંથી લેવાયેલા સેમ્પલના પરિક્ષણ રિપોર્ટ અનફીટ એટલે કે ફેઇલ થઇને આવ્યા છે.
ઉનાળામાં પાણીનો વપરાશ વધતા જ મનપાની આરોગ્ય અને વોટર વકર્સ શાખાએ ચેકીંગનો કામગીરી સઘન બનાવી છે. આરોગ્ય શાખા દ્વારા ખાણીપીણીના સ્થળે જ્યારે વોટર વકર્સ શાખા દ્વારા પાઇપલાઇન દ્વારા આવતા પાણીના સેમ્પલ લેવાનું પ્રમાણ વધાર્યુ છે. શહેરના ત્રણેય ઝોનમાં થઇને દરરોજ 250થી વધુ સેમ્પલ રેન્ડમલી લેવામા આવે છે. દુષિત પાણીની ફરિયાદ આવે કે ન આવે, જે વિસ્તારમાં ફરિયાદ ન હોય તો પણ ત્યાથી રેન્ડમ રીતે સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલી આપવામા આવે છે. પખવાડિયા પહેલા લેવાયેલા સેમ્પલ રિપોર્ટમાં ન્યૂ રાજકોટના પાંચ વિસ્તાર અને સેન્ટ્રલ એટલે કે મધ્ય રાજકોટમાં બે વિસ્તારમાંથી લેવાયેલા સેમ્પલ લેબોરેટરી પરીક્ષણમાં ફેઇલ થઇને આવ્યા છે.
સતાવાર રિપોર્ટમાં સેમ્પલમાં લેવાયેલા પાણીમાં ભયાનક બેકટરિયાનું પ્રમાણ વધુ આવ્યુ છે. જે વિસ્તારમાં પાણીના સેમ્પલ ફેઇલ થઇને આવ્યા છે ત્યા ડોર ટુ ડોર સર્વે, આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાના કેસનો સર્વે શરૂૂ કરવામા આવ્યો છે.
આટલા વિસ્તારમાં જોખમ, પાણીના સેમ્પલ ફેઇલ
વોર્ડ નં.3માં આસ્થા એન્યુમાં બે સેમ્પલ ફેઇલ
વોર્ડ નં.10માં સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં બે સેમ્પલ ફેઇલ
વોર્ડ નં.8માં વૈશાલીનગર, સાંઇનગર શેરી-3માં કુલ બે સેમ્પલ ફેઇલ
વોર્ડ નં.11માં અંબિકા ટાઉનશીપમાં એક સેમ્પલ ફેઇલ
મહિનાની દર 6 તારીખે સુપર ક્લોરીનેશન સ્પેશિયલ ડ્રાઇવ
ઉનાળાના આ દિવસોમાં પાણી અને ખાદ્યજન્ય રોગચાળો વકરે નહીં એ માટે મનપાની આરોગ્ય અને વોટર વકર્સ શાખા દ્વારા મહિનાની દર 6 તારીખે ખાસ સુપર ક્લોરીનેશન સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવાનું આયોજન કરવામા આવ્યું છે. જેમા ત્રણેય ઝોનમાં એકસાથે પાણીના સેમ્પલ લેવામા આવશે અને જ્યા પ્રથમ દ્રષ્ટીએ જ પાણીને લગતી કોઇ ફરિયાદ હશે એ વિસ્તારમાં આરોગ્ય શાખા રોગચાળાને લગતા પગલાં લેશે
