રાજકોટ નજીક રાજગઢ ગામે રહેતા અને ખેતીકામ કરતાં ઘનશ્યામસિંહ લખુભા જાડેજા (ઉ.વ.63)ની ગામમાં આવેલી રૂૂા. દોઢ કરોડની જમીન દેવાયત દેહાભાઈ લાવડિયા (ઉ.વ.70,રહે.રાજગઢ) એ પચાવી પાડ્યાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે આ મામલે પીઆઈ બી.પી. રજિયા સહિતના સ્ટાફે આ મામલે ઘનશ્યામસિંહની ફરિયાદ પરથી લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપી દેવાયત લાવડિયાની ધરપકડ કરી પૂછપરછ શરૂૂ કરી છે.
ઘનશ્યામસિંહે પોલીસને જણાવ્યું કે તેને સંતાનમાં બે પુત્ર છે. મોટો પુત્ર હરદીપસિંહવડોદરામાં પોલીસમાં ફરજ બજાવે છે. જ્યારે નાનો પુત્ર જયદીપસિંહ રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવે છે. તેમણે ગઈ તા. 6-1-2024ના કલેક્ટર કચેરીમાં જમીન પચાવી પાડવા અંગેની અરજી કરી હતી. જે અંગે નિવાસી અધિક કલેક્ટર દ્વારા ફરિયાદનો હુકમ કરતા કુવાડવા રોડ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
તેની રાજગઢ ગામે આવેલી વારસાગત ખેતીની જમીન હે.આ.ચો.મી. 01-82-11 તેના નામે છે. જેની તા. 3-1-2020ના માપણી કરાવતા આ જમીનમાં હે.આ.ચો.મી. 0-95-40 જેટલામાં તેની બાજુમાં આવેલ આરોપી દેવાયત લાવડિયાનો કબજો જણાયો હતો. જેથી તેણે આરોપીને જમીન પરત આપી દેવા સમજાવતા આરોપીએ સરકારી માપણી કરાવીને તમારી જમીન નીકળતી હશે તો હું આપી દઈશ તેમ કહ્યું હતું. પરંતુ આરોપીએ જમીનની માપણી કરાવી ન હોય અને જમીન પરત આપતા ન હોવાથી આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
