ગેસ પુરવઠો ઠપ થતાં ફેક્ટરીમાંથી રજા મળતા મિત્ર સાથે વતન જવા નીકળ્યો હતો, અકસ્માતમાં સાથી મિત્ર ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર જિલ્લામાં મજૂરી કામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા પરપ્રાંતિય શ્રમિકો માટે આજની સવાર આફતરૂૂપ સાબિત થઈ છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ સુરેન્દ્રનગરમાં મજૂરી કામ કરતા 22 વર્ષીય આયુષ વિસ્તાભાઈનું ચોટીલા નજીક નાની મોલડી પાસે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, હાલમાં સ્થાનિક ફેક્ટરીઓમાં ગેસ પુરવઠો ઠપ થઈ ગયો હોવાથી કામકાજ બંધ પડ્યું છે, જેને કારણે અનેક મજૂરો પોતપોતાના વતન તરફ પરત ફરી રહ્યા છે. આયુષ પણ તેના મિત્ર સૂરજ જમરા સાથે બુલેટ પર સવાર થઈને પોતાના વતન મધ્યપ્રદેશ જવા રવાના થયો હતો, પરંતુ રસ્તામાં જ તેને કાળ આંબી ગયો હતો.
આ કરુણ ઘટનાની વિગત એવી છે કે, આયુષે તાજેતરમાં જ ભાવનગરથી એક લાખ રૂૂપિયામાં જૂનું બુલેટ ખરીદ્યું હતું. વતનમાં જવાની ખુશી અને નવા વાહનની સવારી સાથે બંને મિત્રો સવારે સુરેન્દ્રનગરથી નીકળ્યા હતા. ચોટીલા પાસે આવેલા નાની મોલડી ગામ નજીક પહોંચતા જ અચાનક બુલેટ પરનો કાબૂ ગુમાવતા બાઈક જોરભેર ડિવાઈડર સાથે અથડાયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે આયુષને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે બેઠેલા 22 વર્ષીય મિત્ર સૂરજ જમરાને પણ શરીરના ભાગે ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આયુષના અવસાનથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આયુષ તેના પરિવારમાં ત્રણ ભાઈ અને ત્રણ બહેનોમાં સૌથી મોટો હતો, જેના પર આખા ઘરની જવાબદારી હતી. ફેક્ટરીમાં કામ બંધ હોવાથી દિવાળી કે અન્ય તહેવારની જેમ ઘરે જઈ રહેલા યુવાનનો મૃતદેહ હવે તેના વતનમાં પહોંચશે તે વાતથી શ્રમિક વસાહતોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. અકસ્માતને પગલે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
