ભાવનગર તાલુકાના ભંડારિયા ગામના આશાસ્પદ યુવાન બાઇક લઈ ઘરે જઈ રહ્યા હતા ત્યારે રાત્રીના સુમારે અચાનક ગાય આડી ઉતરતા ભડી નજીક હાઈવે પર અકસ્માતમાં તેમનું કરૂૂણ મોત નીપજયું હતું.
પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર નજીક ભંડારિયામાં ખેતીવાડી અને સાઉન્ડ, મંડપનો વ્યવસાય કરી ગુજરાન ચલાવતા ચેતનસિંહ મહિપતસિંહ ગોહિલના એક માત્ર સંતાન વિશ્વરાજસિંહ ઉર્ફે ભોલુ (ઉ. વ.22) ભાવનગર ખાતે મેડિકલ સ્ટોરમાં પ્રાઇવેટ નોકરી કરે છે, તેઓ બુધવારે રાત્રે નોકરીએથી બાઇક પર સવાર થઇને પરત ભંડારિયા આવી રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે પર ભડી ગામ નજીક અચાનક ગાય આડી ઉતરતા તેની સાથે બાઈક અથડાતા આશાસ્પદ ક્ષત્રિય યુવાનને ગંભીર ઈજાઓ સાથે તાકીદે સારવારમાં લઈ જવાયેલ. પરંતુ તબીબોની સારવાર મળે તે પૂર્વે જ તેમણે દમ તોડી દીધો હતો. મરણ જનાર વિશ્વરાજસિંહ ગોહિલ ભંડારિયાના પ્રસિધ્ધ બહુચરાજી મંદિરના સેવાભાવી કાર્યકર હતા, તેમના પિતાજી પણ મંદિરના અગ્રણી કાર્યકર્તા છે. સદગત યુવાનની અંતિમ યાત્રામાં ગ્રામજનો, સમાજના આગેવાનો અને મંદિરના સેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ બનાવથી ભારે ગમગીની સાથે શોક વ્યાપી ગયો છે.
વલભીપુર પાસે કાર અડફેટે યુવાનનું મોત
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતે રહેતા ઋષિરાજસિંહ હાલુંભા ગોહિલ (ગામ-નવાણીયા) હાલ વલભીપુર ઉં.વ.22 પગપાળા ચાલીને જતા હતા ત્યારે વલ્લભીપુર ગામે પુર ઝડપે આવી રહેલ પિકઅપ ગાડી ના ચાલકે જોરદાર અકસ્માત સર્જતા આશાસ્પદ યુવાન નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું .આ બનાવ બનતા પરિવારમાં શોક છવાઈ ગયો હતો. વલભીપુર પોલીસ આ અકસ્માત અંગે વધુ તપાસ ચલાવી રહી છે.
